કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં ભયાનક આતંકવાદી હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા તે આક્રોશજનક ઘટના ઉપર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઊંડું શોક વ્યક્ત કર્યો છે તથા શહીદ થયેલા સ્વર્ગવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કામરેજના વ્રજભૂમિ ટાઉનશીપ – સેક્ટર ૧, વ્રજચોક સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં મંત્રીશ્રીએ આ દુઃખદ ઘટનાને માનવતા પર હુમલો ગણાવ્યો અને જણાવ્યું કે, “આપણા દેશના દરેક નાગરિકને સુરક્ષિત માહોલ મળવો તે આપણા લોકશાહી સિદ્ધાંતોનો મૂળભૂત હક છે. આમા નિર્દોષ નાગરિકોના જીવનનો અંત લાવવો એ માત્ર દુઃખદ નહીં, પણ ઘિનાવટભર્યો અપરાધ છે, આપણી ધરતીની શાંતિ, સંસ્કૃતિ અને સાધનાના પરંપરાઓ પર પણ ઘાતક પ્રહાર છે.
આપત્તિની ઘડીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દહેશતવાદને નાબૂદ કરવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોને સમર્થન આપતાં તેમજ આ કાર્યરતાપૂર્વક આતંકી હુમલાનો બદલો લેવાના દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું કે, “આ પ્રકારની ક્રૂરતાનું માનવતા સાથે કોઈ સાંકળ નહિ હોય. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે દેશમાં શાંતિ અને સલામતી કાયમી રીતે જળવાય તેવા પ્રયત્નો બને તે સમયની માગ છે.”
અંતે શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્યલાભ થાય તેવી અભ્યર્થના કરી. સાથે જ તમામ દેશવાસીઓને શાંતિ, સહિષ્ણુતા અને એકતાના સંદેશ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરોશ્રીઓ, ઉમેદવારોશ્રી સહિત સ્થાનિક હોદ્દેદારશ્રીઓ, સામાજીક આગેવાનશ્રીઓ, શુભેચ્છકો, મોટી સંખ્યામાં કાર્યકર્તામિત્રો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા.