મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે દેશની મહિલાઓના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રજૂ કરેલા હિંદુ કોડ બિલ માં તેમણે મહિલાઓને સમાજ ના મુખ્ય પ્રવાહમાં આગળ લાવવા માટે પ્રમુખ જોગવાઈઓ કરી હતી. બીજા અર્થમાં કહીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય મહિલાઓના પ્રથમ મુક્તિદાતા હતા.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહિલા વિકાસ સ્વપ્નને સાકાર કરવા માટે અપરાજિતા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ શ્રીમતી અંજના બેન પરમારના અધ્યક્ષ સ્થાને ગઠિત અપરાજિતા ટ્રસ્ટ મહેસાણાના ઉપક્રમે ટાઉનહોલ મહેસાણા ખાતે ભીમ વંદના ગીત સ્પર્ધા 2025 બાળ અને યુવા વિભાગની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર રાજ્યમાંથી 16 ચુનંદા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ યોજાયેલા ભીમ વંદના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શ્રીમતી યોગીનીબેન વ્યાસ પૂર્વ ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મહિલાઓના વિકાસ માટે અનેકવિધ સફળ પ્રયત્નો કર્યા છે અને જેના ભાગરૂપે આજે ભારતીય મહિલાઓ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી શકી છે.
ભારતીય પરંપરાઓમાં ડગલેને પગલે સ્ત્રીઓને પડતી તકલીફોનું નિવારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણમાં મહિલાઓને મળેલ સમાન નાગરિક અધિકાર કાયદાના કારણે આજે આપણે મહિલાઓની પ્રગતિ જોઈ શકીએ છીએ અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા એ અનેક જરૂરતમંદ મહિલાઓ માટે આશાનું કિરણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અપરાજિતા ટ્રસ્ટ આગામી સમયમાં મહિલાઓના વિકાસ માટે એક આગવી હરણફાળ ભરીને સોનેરી અક્ષરે નામ અંકિત કરશે. આજની આ ગાયન સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો આવનારા દિવસોમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની ગાયકી ક્ષેત્ર થકી ભારતનું નામ રોશન કરે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્ય મહિલા બાળ આયોગના પૂર્વ સદસ્ય શ્રીમતી મધુબેન સેનમા એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર એ અનેક ક્ષેત્રોમાં મહિલાઓના વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ની સફળ અમલવારી કરાવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહિલા વિકાસના સ્વપ્નની મૂર્તિમંત કર્યું છે.
આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર વિશેષ ઉપસ્થિત રહીને ભીમવંદના ગાયન સ્પર્ધા 2025 ના સ્પર્ધકોને અભિનંદન આપવાની સાથે જણાવેલ કે તુરી બારોટ સમાજ એ ગીત સંગીત થી ભરપૂર ખજાનો ધરાવતો સમાજ છે
ગુજરાતના લોકગીતો હોય કે વિવિધ પ્રકારના અન્ય ગીતો હોય આ સમાજના લોકોએ તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ગુજરાતની એક આગવી ઓળખ ઊભી કરી છે અપરાજિતા ટ્રસ્ટના આ ક્ષેત્રના બાળકોના વિકાસ માટેના આજના આ કાર્યક્રમ થકી મને વિશેષ આનંદ થયો છે અને આના પરિણામો આગામી દિવસોમાં ખૂબ જ સારા મળશે અને ગીત સંગીત ક્ષેત્રે બાળકો ખૂબ જ નામના મેળવીને ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરશે એવું વધુમાં તેમણે જણાવ્યું હતું.
સમગ્ર ગાયન સ્પર્ધાના નિર્ણાયકો તરીકે કુમારી અવનીબેન પ્રજાપતિ, શ્રીમતી શારદાબેન પી.બારોટ , શ્રીમતી પદમાબેન જી.બારોટ એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આજે યોજાયેલા ગાયન સ્પર્ધામાં બાળ વિભાગમાં પ્રથમ નંબરે બારોટ દીયા સવાલા, દ્વિતીય નંબરે જાદવ નિરાલીબેન તૃતીય નંબરે બારોટ પ્રિયાન્શી
જ્યારે યુવા વિભાગમાં પ્રથમ નંબરે બારોટ કંચનબેન દ્વિતીય નંબરે સુરેખાબેન બારોટ તૃતીય નંબરે બારોટ ભારતીબેન વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને ઉપસ્થિત મહેમાનો થકી પ્રથમ નંબરને 2500 રોકડા ,શિલ્ડ, પ્રમાણપત્ર, બીજા નંબરને 1001રોકડા ,શિલ્ડ,પ્રમાણપત્ર ત્રીજા નંબરને 500 રોકડા ,શિલ્ડ, પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના સ્પર્ધકોને આશ્વાસન ઇનામો અર્પણ કરાયા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન ભૂમિ બારોટ કર્યું હતું જ્યારે આભાર વિધિ સંસ્થાના મહામંત્રી મીનાબેન જે. તુરીએ કરી હતી.