યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરતઃશનિવારઃ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજીની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ઉપસ્થિતિમાં વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે ‘યોગ સંવાદ’ યોજાયો હતો.
આ પ્રસંગે શિશપાલજીએ જણાવ્યું હતું કે, ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુકત ગુજરાત’ અભિયાન રાજ્ય સરકારે શરૂ કર્યું છે, ત્યારે યોગ પ્રાણાયમ થકી સ્વાસ્થ્ય સુધારી શકાય છે, સ્વસ્થ અને મેદમુક્ત બની શકાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ફિટ ઇન્ડિયા’ના ધ્યેય સાથે યોગ સાધના, ખેલકૂદ, પરિશ્રમ તથા વ્યાયામને અપનાવવા આગ્રહ કર્યો છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે, યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે. યોગ માનવીને નિર્ભિક અને ઉર્જાવાન બનાવે છે, યોગ એ ચોક્કસ દિશામાં મનને વાળવા સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે શરીરને ચુસ્ત-દુરસ્ત રાખે છે.
મેદસ્વિતાને દૂર કરી જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના આ જનસેવા અભિયાનમાં રાજ્યની પ્રત્યેક વ્યક્તિ, પરિવાર અને સંસ્થાઓને સક્રિય સહયોગ આપવા અનુરોધ કરી, જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવવા સૌને મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.