ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવતા અંધકાર છવાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાની બજારો, ઘરો, શેરીઓ અને ઓફિસોમાં 7.45 વાગ્યે બે મિનિટ સાયરન વાગતાની સાથે અંધકાર છવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સીવીલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે, સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોએ ભાવનગરમાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી સ્વેચ્છાએ ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કર્યા હતા. જ્યારે 8.15 વાગ્યે સાયરન વાગતા ફરી ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો શરૂ કરી દીધા હતા.
બ્લેક આઉટ કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં મોકડ્રિલના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ પણ 7.45 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં રાત્રિ 7.45 વાગ્યે સાયરન વાગતાની સાથે મુખ્ય બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનોની લાઇટો બંધ કરી હતી. આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગો પર પણ અંધકાર છવાઈ ગયો હતો.