ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અંગેના મળેલ નિર્દેશો અનુસાર આજે ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સાંજે ૪:૦૦ કલાકે એક સતર્કતા મોકડ્રીલ યોજાઈ હતી.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઈલના ધમાકાથી ધાયલોને નજીકની હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી જેમાં 17 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ, ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા હોવાનું મોકડ્રીલમાં દર્શાવાયું હતું.
પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, અધિક કલેકટર શ્રી પ્રતિભા દહિયા, ડી.વાય.એસ.પી. શ્રી આર. આર. સિંધાલ, ડિઝાસ્ટર વિભાગના ડી. પી. ઓ. શ્રી ડિમ્પલ તેરૈયાના નેતૃત્વમાં યોજાયેલી આ મોકડ્રિલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે મિસાઈલના ધમાકાનો અવાજ થતા સાયરન થી લોકોને ચેતવણી આપવામાં આવી હતી. તેમજ કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવાના આવી હતી. કંટ્રોલ રૂમ થી સંબંધિત પોલીસ, ફાયર ફાયટર, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સંબધિત વિભાગોને આ અંગે સત્વરે જાણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા કંટ્રોલરૂમમાંથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
એરસ્ટ્રાઇક થઇ હોવાની માહિતી મળતાની સાથે ભાવનગર મહાનગરપાલિકાના અગ્નિશમન દળ પણ પહોંચી ગયા હતા. તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સફળ મોકડ્રીલ બાદ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.