અમદાવાદ, સંજીવ રાજપૂત: બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું.
ઉનાળાના વેકેશનની લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા કર્મચારીના બાળકોના માનસમાં સકારાત્મકતા આવે અને પોલીસના બાળકોની છાપ સુધરે, ઉપરાંત પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય,એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા ગયા વર્ષથી નવતર પહેલ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર, ગાયકવાડ હવેલી, દાણીલીમડા, ઈસનપુર, વટવા, મણિનગર, ગોમતીપુર, શાહીબાગ, વિગેરે જગ્યા ખાતે આવેલ પોલીસ લાઈનમાં સામજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પ નું આયોજન કરવા તમામ થાણા અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેર અધિક પોલીસ કમિશનર, સેકટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06, રવિ મોહન સૈની, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારમાં ઈસનપુર ખાતે આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે 100 જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે.
અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એન.કે.જાડેજા, શી ટિમ ના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ, સહિતના ઇન્સ્ટ્રકટર દ્વારા માનદ સેવા આપી, બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે. આ બાળકોના સ્કીલનું પોલીસ હેડ કવાર્ટર ખાતે એક્ઝીબિશન યોજાશે