કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લઇને પ્રભારીમંત્રીશ્રીએ
જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું
ભુજ ખાતે તા.૨૬ મેના યોજાનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુંસંધાને પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કચ્છ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા,પાર્કીંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીશ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા.
આ સાથે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી.
પ્રભારીમંત્રીશ્રીએ કચ્છ વહીવટીતંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂંક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સૂચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા સર્વ ધારાસભ્યશ્રીઓ કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચના કર્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના અનુંસંધાને પ્રભારીમંત્રીશ્રી, સાંસદશ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રી તથા વહીવટીતંત્રની સમગ્ર ટીમે ભુજ- મિરઝાપર રોડ પર કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઇને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સૂંડા, ડીપીએ ચેરમેનશ્રી સુશિલકુમાર સિંગ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, આગેવાનશ્રી દેવજીભાઇ વરચંદ તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.