અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા હતા.
અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં ‘મા ભારતી’ના જયઘોષ સાથે અમદાવાદીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.
રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનશ્રીનું સ્વાગત – સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.
રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.