ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ વન વિભાગના સંકલનથી જિલ્લાની સંસ્થાઓમાં કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રેલી અને સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા કરી હતી. જિલ્લાના બધા જ તાલુકાઓ અને શહેરની સંસ્થાઓએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. વિશ્વ સિંહ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના શામપરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે સિંહ આપણા સૌના જીવનનો હિસ્સો બની ગયો છે અને તેનું સંરક્ષણ અને સંવર્ધન એ આપણા સૌની પ્રાથમિકતા છે. કોઈ પણ પ્રકારની વન્ય પ્રાણીઓની લગતી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો તેને આપણે સૌ સાથે મળીને અટકાવીએ એટલું જ નહીં જરૂર જણાય વન વિભાગને તેને જાણ કરીએ. જિલ્લાના તમામ બાળકો સિંહ સ્વરૂપ છે અને આપણે આગામી દિવસોમાં તેને સિંહસ્થ કરવા માટેના પ્રયત્નો સાથે મળીને કરીશું.
માનદ વાઈલ્ડ વોડૅન શ્રી ઇન્દ્ર ગઢવીએ વિદ્યાર્થીઓને રજાના દિવસે ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતા. જિલ્લાના વિશ્વ સિંહ દિવસના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે સાવજ અને સમાજના સેતુ રુપ આ કાર્યક્રમને માત્ર સિંહ સંરક્ષણ માટે નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ ગણાવી વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. સ્વાગત પ્રવચન અભિવાદન રાજહંસ નેચર ક્લબના શ્રી જલ્પેશભાઈ ચૌહાણ એ કર્યું હતું અને તેઓએ સિંહ અને તેના સંરક્ષણની વિગતો પણ આપી હતી.
આ કાર્યક્રમમાં બોટાદના એસીએફ શ્રી રાઠવા, મોડલ સ્કૂલના આચાર્ય શ્રી જાની, તાલુકા કોર્ડીનેટર શ્રી પ્રવીણ સરવૈયા, રાજહંસ નેચર ક્લબના સભ્યો અને શ્યામપરા ગામના સરપંચ શ્રી ગાંગાણી પણ ઉપસ્થિત હતાં. આભારવિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દિવ્યરાજસિંહ સરવૈયાએ કરી હતી. સંચાલન શ્રી મિહિર આસ્તિકે કર્યું હતું. સિદસર અને શ્યામપરા ગામની શાળાના બાળકો કાર્યક્રમમાં જોડાયા હતાં.