પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિ
શિક્ષણ વિભાગની રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરાયેલ વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ, પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળશે
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના ૮ ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ ૯ જેટલી વેબસાઈટનું ગાંધીનગર ખાતેથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન અન્વયે વિકસિત ગુજરાત@૨૦૪૭ના ભાગસ્વરૂપે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જે અંતર્ગત આજે રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી શિક્ષણ વિભાગ અને વિભાગ હસ્તકની અદ્યતન વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વેબસાઈટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી અગત્યના ઠરાવો, નીતિઓ, પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે.
વધુ વિગતો આપતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, આ વેબસાઈટ થકી શિક્ષણલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની માહિતી, રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નવિન પહેલો વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. આજે રિ-લોન્ચ કરવામાં આવેલી ૯ વેબસાઇટમાં કમિશનરશ્રી ઉચ્ચ શિક્ષણ, નિયામકશ્રી એન.સી.સી.ની કચેરી, નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, નિરતંર શિક્ષણ અને સાક્ષરતા નિયામકશ્રીની કચેરી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેક્નોલોજી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગનો સમાવેશ થાય છે.
આ વેબસાઈટ રિ-લોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર , ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી દિલિપ રાણા, સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.