દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું મહાનુભાવોએ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રા પ્રાંત કચેરીથી શરૂ થઈ જી.વી.જે હાઈસ્કૂલ, નગર નાકા થઈ બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર યાત્રાના રૂટ પર વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના દેશભક્તિના ગીતોએ લોકોમાં અનેરો ઉત્સાહ સ્ફૂર્યો હતો.
આ તિરંગા યાત્રામાં પૂર્વે શ્રી રાજશક્તિ રાસ મંડળ, શ્રી રાધે રાસ મંડળ તથા કૃષ્ણ કાળાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ઉપરાંત મહાનુભાવોએ નશા મુક્ત ભારત અભિયાન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદેમાતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.
આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર સુરેશ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી કે.વી.શેરઠીયા, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, એભાભાઈ કરમૂર, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, રેખાબેન ખેતિયા સહિત વિધાર્થીઓ, પોલીસ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રબુધ્ધ નાગરિકો સહિત નગરજનો જોડાયા હતાં.