રાજપીપલા: સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના આંગણે ગુજરાત મહિલા ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજીત ૪૨ મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૦-૨૧ ટૂનામેન્ટને લોકસભાના પેનલ સ્પીકરશ્રી અને SC/ST સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ડૉ. કિરીટભાઇ સોલંકીના હસ્તે આજે કેવડીયામાં એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ખાતે ખૂલ્લી મૂકાઇ હતી. આજે પ્રથમ દિવસે પંજાબ અને આસામની ટીમ વચ્ચેની સ્પર્ધા સાથે આ ટૂનામેન્ટનો પ્રારંભ થયો હતો.આ ટૂનામેન્ટ તા.૨૬ મી માર્ચ, ૨૦૨૧ સુધી ચાલશે.
આ સમારોહમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજરશ્રી અશોક ધ્યાનચંદજ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ( WFFI) ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી સાબીર અલી ખાન, ( WFFI) ના ફાઉન્ડરશ્રી નટુભાઇ પરમાર, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ,ગુજરાત સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિર્ટીના વાઇસ ચાન્સેલરશ્રી સુશીલકુમાર શર્મા, ગુજરાત મહિલા ફૂટબોલ એસોશિએશનના પ્રમુખશ્રી અરૂણકુમાર સાધુ અને મહામંત્રી સુશ્રી ટીના ક્રિષ્નાદાસ, છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી કે.જે.ગોહિલ તેમજ સમગ્ર દેશના જુદાજુદા રાજ્યોમાંથી મહિલા ફૂટબોલ ખેલાડીઓની ૨૦ જેટલી ટીમોની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકાયેલી આ ટૂનામેન્ટને સંબોધતા લોકસભાના પેનલ સ્પીકરશ્રી ડૉ. કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વની મહાન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતીના આંગણે આજની આ ટૂનામેન્ટ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ભારતીય ફૂટબોલમાં ભારતીય મહિલાઓએ અનેક મેડલ પ્રાપ્ત કર્યાં છે, દેશના પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રીના સમયગાળા દરમિયાન ખેલ મહાકુંભન આયોજન થકી “ખેલે ગુજરાત-જીતશે ગુજરાત” ત્યારબાદ “ખેલે ઇન્ડીયા” ના માધ્યમથી સમગ્ર દેશની યુવા શક્તિને રમત-ગમતમાં જોડીને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. પાછલા ઓલમ્પિક મહિલાઓએ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાં હતાં. આગામી સમયમાં આજ બહેનોમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ મહિલા ફૂટબોલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી નામના મેળવશે તેઓ દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલા ફૂટબોલ એસોશિએશનની સ્થાપનાબાદ અહીં આ પ્રથમ ટૂનામેન્ટ યોજાઇ રહી છે. ખેલાડીઓએ હાર-જીતને ધ્યાનમાં લીધા વિના સખત પરિશ્રમથી આ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો અનુરોધ કરી તેમણે ઉમેર્યું હતું કે, આ રમતમાં ન કોઇ હારશે કે ન કોઇ જીતશે, પરંતુ ફૂટબોલનો વિજ્ય થશે.
શ્રી સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રોજેક્ટો આકાર પામ્યાં છે ત્યારે અહીં આંતરરાષ્ટ્રીયકક્ષાનું સ્ટેડીયમ ઉભું થાય તેવી પ્રબળ લાગણીશ્રી સોલંકીએ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ દિશામાં પ્રધાનમંત્રીશ્રીનો સાનુકૂળ પ્રતિસાદ સાંપડશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સમારંભના મુખ્ય મહેમાનપદેથી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજરશ્રી અશોક ધ્યાનચંદજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જ એક મોટી મિશાલ છે. આપણી દરેક રમતો મિત્રતા, સૌહાર્દ અને ભાઇચારાનો સંદેશો આપે છે, કોઇપણ ટૂનામેન્ટનું આયોજન જે તે રમતોના પ્રોત્સાહન માટે થતું હોય છે, ત્યારે ભાગ લઇ રહેલા સ્પર્ધક ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ દ્વારા આવી રમતોને તેની ઉંચાઇ પર લઇ જઇને ગૌરવ બક્ષવા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો. આ ખેલાડીઓને કમિટમેન્ટ, સખત પરિશ્રમ અને કોન્ફીડન્સ સાથે શ્રેષ્ઠ દેખાવ કરવાની પણ તેમણે શીખ આપી હતી.
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ તેમજ ( WFFI) ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી સાબીર અલી ખાન વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. આ પ્રસંગે લોકસભાના પેનલ સ્પીકરશ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી અને અન્ય મહાનુભાવોના હસ્તે આ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ટૂનામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરાયું હતું.
પ્રારંભમાં ગુજરાત મહિલા ફૂટબોલ એસોશિએશનના પ્રમુખશ્રી અરૂણકુમાર સાધુ અને મહામંત્રી સુશ્રી ટીના ક્રિષ્નાદાસે સહુને આવકાર્યા હતાં. આ ટૂનામેન્ટના આયોજન બદલ ડૉ. કિરીટભાઇ સોલંકીએ અભિનંદન આપ્યાં હતાં.