માનનીય વડાપ્રધાને મહેસાણા-પાલનપુર ડબલિંગ અને કલોલ-કડી-કટોસણ રોડ અને બેચરાજી-રણુંજ રેલ્વે લાઇનના ગેજ કન્વર્ઝનનું ઉદ્ઘાટન કર્યું
માનનીય પ્રધાનમંત્રીએ કડી સ્ટેશનથી કટોસન રોડ – સાબરમતી મેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા અને બેચરાજી સ્ટેશનથી રણુંજ રૂટ થઈને ઉત્તર ભારત માટે પ્રથમ સમર્પિત ઓટોમોબાઈલ માલગાડી ટ્રેનને પણ લીલી ઝંડી આપી.
ફોટો કેપ્શન: પહેલા ફોટામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા છે. બીજા ફોટામાં,માનનીય પ્રધાનમંત્રી કટોસન રોડ – સાબરમતી મેમુ ટ્રેનને કડી સ્ટેશનથી કારથી ભરેલી ફ્રેટ ટ્રેનને અને બેચરાજી રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી રહ્યા છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવાર, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન ₹ ૧૪૦૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ્સની શ્રેણી રાષ્ટ્રને સમર્પિત કરી. આમાં મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇન અને બેચરાજી-રણુંજ રેલ લાઇનનું ગેજ રૂપાંતરણ, કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે નવી પેસેન્જર ટ્રેન અને બેચરાજી રેલ્વે સ્ટેશનથી કાર ભરેલી ફ્રેટ ટ્રેનને લીલી ઝંડી આપવાનો સમાવેશ થાય છે.
મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત, કડી રેલ્વે સ્ટેશન અને બેચરાજી ખાતે સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબંધિત સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. તેઓ પ્રાદેશિક જોડાણ વધારશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.
૬૫ કોલીમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ ₹ ૫૩૭ કરોડના ખર્ચે પૂર્ણ થયું છે, જ્યારે ૩૭ કિમી લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇનને ₹૩૪૭ કરોડના ખર્ચે બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ૪૦ કિલોમીટર લાંબી બેચરાજી-રણુંજ રેલવે લાઇનને પણ ૫૨૦ કરોડના ખર્ચે બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ સાથે સરળ, સુરક્ષિત અને વધુ એકીકૃત કનેક્ટિવિટી સુનિશ્ચિત થઈ છે. આનાથી રોજિંદા મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી ઘણી સરળ બની છે, સાથે સાથે પ્રાદેશિક આર્થિક એકીકરણને પણ પ્રોત્સાહન મળ્યું છે.
રેલવે લાઇનને ડબલીંગ કરવાથી લાઇનની ક્ષમતામાં વધારો થયો છે, જેના કારણે અમદાવાદ-દિલ્હી કોરિડોર પર હાઇ-સ્પીડ ટ્રેનો દોડાવવાનું શક્ય બન્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રાફિક કન્જેશનમાં કંઈ અને ક્રોસિંગને કારણે બિનજરૂરી રીતેપેસેન્જર ટ્રેનોને રોકાવવાની સમસ્યામાં ધટાડો થયો છે , જેનાથી ટ્રેનોની સમયપાલનતા સુનિશ્ચિત થઇ છે. આ વિકાસને કારણે વધુ મુસાફરોની સેવાઓની શરૂઆત થઈ છે અને માલવાહક કાર્યક્ષમતામાં સુધારો થયો છે, જેનાથી ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિને નવી ગતિ પ્રાપ્ત થઇ છે.
૩૭ કિમી લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇનને ₹૩૪૭ કરોડના ખર્ચે બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી આ પ્રદેશમાં મુસાફરો અને માલસામાનની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ગેજ રૂપાંતરણથી રાષ્ટ્રીય બ્રોડ-ગેજ રેલ નેટવર્ક સાથે નિર્બાધ એકીકરણ સુનિશ્ચિત થયું છે, જેનાથી માલ અને લોકોની ઝડપી અને વધુ કાર્યક્ષમ અવરજવર શક્ય બની છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને સ્થાનિક મુસાફરો, કડી અને કલોલની આસપાસના, નાના વ્યવસાયો અને ઉદ્યોગો માટે ફાયદાકારક છે, જે ગુજરાતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને કૃષિ કેન્દ્રો છે. તે મુસાફરીનો સમય પણ ઘટાડે છે, અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચને ઉત્તમ બનાવે છે અને આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે.
બેચરાજી-રણુંજ રેલ લાઇનનું ગેજ રૂપાંતર રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર કરવામાં આવ્યું છે. આ પહેલ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડે છે અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પ્રદર્શન ઇન્ડેક્સમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવે છે, જેનાથી ઉત્તર ગુજરાતની સામાજિક-આર્થિક પ્રગતિને વેગ આપે છે તેમજ ભારતના લોજિસ્ટિક્સ અને રેલવે ક્ષેત્રોમાં એક માપદંડ સ્થાપિત કરે છે.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીએ કડી રેલવે સ્ટેશનથી કટોસન રોડ-સાબરમતી મેમુ ટ્રેનની ઉદ્ઘાટક સેવા અને બેચરાજી રેલવે સ્ટેશનથી કાર ભરેલી ફ્રેટ ટ્રેનને પણ લીલી ઝંડી આપી રવાના કરી. આ નવી પેસેન્જર સેવા ધાર્મિક સ્થળો સુધી વધુ સારી પહોંચ પૂરી પાડે છે, પ્રદેશના દૈનિક મુસાફરોને લાભાન્વિત કરે છે અને પાયાના સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે. આ માલવાહક સેવા રાજ્યના ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડાણ વધારશે, લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવશે અને રોજગારની તકોનું સર્જન કરશે.
આ સતત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પહેલ મુસાફરીનો સમય ઘટાડશે, નવા રોકાણો આકર્ષિત કરશે અને પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. આ બધા રેલ્વે પ્રોજેક્ટ્સ વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનો નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.