Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ માટેની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, નવનિર્મિત ‘મા વાત્સલ્ય” મધર્સ મિલ્ક બેંક’નું ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન, યુ.એસ.એ., પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. તે જરૂરી પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘મા વાત્સલ્ય’ માતાનું મિલ્ક બેંક સ્થાપવામાં આવી છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આ મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંક હોસ્પિટલના માતા-શિશુ આરોગ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને અને બાળક તંદુરસ્ત બને. તેની સાથે જ, માતાના દૂધના કારણે બાળ મૃત્યુદરમાં પણ સુધારો શક્ય બને છે, તેવું મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

મંત્રી ઋષિકેશભાઇ પટેલે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ અને નર્સ સ્ટાફને માનવીય અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં સુધારો જોવા મળ્યો છે તેનો શ્રેય તેમણે આશા વર્કર બહેનોને પણ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલ હંમેશાથી ‘ક્વોલિટી અને ક્વોન્ટિટી’ જાળવવામાં આગળ પડતી ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે, મિલ્ક બેંકમાં પણ માતૃત્વના સ્પર્શની લાગણી સાથે નવજાત બાળકોને તેનો લાભ મળશે તેવી અભ્યર્થના મંત્રી ઋષિકેશભાઇ પટેલે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ મિલ્ક બેંકમાં નોંધણી માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર, દરેક લાભાર્થીને યુનિક આઈડી અને પરામર્શ કેન્દ્ર આ બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે, જ્યાં એકત્રિત દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી સુરક્ષિત બનાવાય છે. દૂધ સંગ્રહ માટે 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 45 લિટર છે.

દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24×7 ટીમ કાર્યરત છે. વધુમાં, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટેરિલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, અમોલભાઈ ભટ્ટ, પંડ્યા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, સિવિલ મેડિસિટીના વિભાગીય વડાઓ, ડૉક્ટરો, નર્સ સ્ટાફ અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં…

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ…

1 of 24

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *