સમગ્ર ભારતવર્ષમાં તા. 5 સપ્ટેમ્બરના દિવસને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં, તેમની જન્મજયંતિને “શિક્ષક-દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે ભારત સરકારના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે, દેશભરના સર્વશ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી તેમને માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક” રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

તાજેતરમાં, તા. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત “રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર – 2025” કાર્યક્રમમાં, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાંથી કુલ 15 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, તેમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ફક્ત એક જ શિક્ષક તરીકે, મહિલા આઈ.ટી.આઈ. ભાવનગરમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતાં સુશ્રી ધારા યુ. શુકલની પસંદગી કરવામાં આવી હતી. તેમને માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુના હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક” રાષ્ટ્રીય પુરસ્કાર – 2025 એનાયત કરવામાં આવ્યો.
આ અગાઉ, તા. 4 સપ્ટેમ્બર, 2025ના રોજ, સુશ્રી ધારા શુકલને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નિમંત્રણ પર તેમના નિવાસસ્થાને મુલાકાત લેવાનો અને તેઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા અને સંવાદ કરવાનો અવસર મળ્યો હતો.
માનનીય રાષ્ટ્રપતિશ્રીના હાથે એવોર્ડ મેળવ્યા બાદ, તા. 5 સપ્ટેમ્બર, 2025ના સાંજે, માનનીય કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્ય કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રીઓ તથા સચિવશ્રીઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું અને રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.