Ahmedabad

અમદાવાદ ખાતે PRGI દ્વારા “પ્રેસ સેવા પોર્ટલ” પર વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ગુજરાત અને માહિતી વિભાગ, ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે અખબારોના પ્રકાશકો માટે “પ્રેસ સેવા પોર્ટલ” પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પ્રકાશિત થતાં અખબારો, સામયિકો વગેરેના માલિકો/પ્રકાશકો જોડાયા હતા.

પ્રેસ સેવા પોર્ટલ વર્કશોપમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા, પીઆઇબીના અપર મહાનિદેશક પ્રશાંત પાઠરાબે, પીઆરજીઆઇના અપર મહાનિદેશક ધીરજ કાકડીયા તેમજ કે. એલ. બચાણી, માહિતી નિયામક, રાજ્ય માહિતી વિભાગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ કહ્યું હતું કે મંત્રાલય તરફથી એક સૂચન છે કે ભારતભરમાં, દરેક જિલ્લા, તાલુકા, રાજ્ય સ્તરે, બધા પ્રકાશકો આ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સામેલ થાય, વધુ માહિતી મેળવે અને જયારે નવા પ્રકાશકો આવે તેમને માર્ગદર્શન મળે. તેમણે આ વર્કશોપની પ્રાસંગિકતા વર્ણવતા જણાવ્યું હતું કે, જયારે મંત્રાલયમાં ફરિયાદ આવે છે અથવા કોઇ અરજદાર સીધો સંપર્ક કરે છે, ત્યારે મને હંમેશાં આશ્ચર્ય થાય છે કે આટલી સરળ પ્રક્રિયા હોવા છતાં પણ ફીડબેક કેમ આવે છે? એથી સ્પષ્ટ થાય છે કે કદાચ ક્યાંક કોઈ ખોટ છે અને એ ખોટ પૂરતી સમજદારીના અભાવે થાય છે. એ ખોટ પૂરી કરવી આપણા બધાની જવાબદારી છે. શ્રી નિરાલાએ પ્રકાશકોને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાની અરજી કે પ્રશ્નો અંગે PRGI સાથે સીધો સંપર્ક કરે અને તકનિકી સહાયતા માટે ઉપલબ્ધ પ્રેઝન્ટેશન અને વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરે. તેમણે તમામ નવા તથા હાલના પ્રકાશકોને વર્કશોપમાં જોડાવા અને સરકાર દ્વારા અપાતી સેવાઓનો પુરેપુરો લાભ લેવા માટે અપીલ કરી હતી.

પીઆઇબીના અપર મહાનિદેશક પ્રશાંત પાઠરાબેએ વર્કશોપનું ઉદ્ધાટન કરતા કહ્યું હતું કે, આ વર્કશોપનો ભાગ હોવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે મીડિયાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, મીડિયા જનમતનો આવાજ છે. નાગરિકો સુધી તમામ જાણકારી પહોંચાડવામાં મીડિયાની અગત્યની ભૂમિકા છે. એટલા માટે જ આ સંદર્ભમાં પીઆરજીઆઇની મુખ્ય ભૂમિકા જવાબદારીની છે. પ્રકાશકો માટે નિયામક પ્રક્રિયાઓ સરળ બનાવવી અને તેમને આધુનિક ઉપકરણોથી સશક્ત બનાવવા અને પ્રકાશકોને પીઆરજીઆઇ સાથે જોડવાનો છે. તેમણે કહ્યું હતું કે આ વર્કશોપમાં ઉપસ્થિત તમામ પ્રકાશકો આ તકનો લાભ ઉઠાવે અને તમામ પ્રક્રિયાઓની ઉંડાણપૂર્વક માહિતી મેળવે, જેથી ભવિષ્યમાં પ્રકાશનને લઇને કોઇ અડચણ કે મુશ્કેલી આવે તો તેનો ઝડપી નિકાલ કરી શકાય. વર્કશોપમાં ઓનલાઇન જોડાવા બદલ શ્રી પાઠરાબેએ તમામ જિલ્લા કલેક્ટરોનો પણ આભાર માન્યો હતો.

વર્કશોપમાં સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપતા માહિતી નિયામક કે. એલ. બચાણીએ કહ્યું હતું કે, પરમ કૃપાળુ પરમાત્મા ચારે દિશાઓમાંથી ઉત્તમ વિચાર અમારી તરફ વહેતા કરે, આવો જ કોઇ વિચાર હશે જેથી આ વર્કશોપ અહીં યોજાઈ રહ્યો છે. જેને પણ આ વિચાર આવ્યો હોય એ એટલા માટે અગત્યનો છે કે આ કાયદો 2023માં બન્યા પછી ઓરિએન્ટેશન માટે આયોજનનો વિચાર હતો અને નક્કી એવું થયું કે અલગ અલગ ચાર ઝોનમાં આવા વર્કશોપ રાખવામાં આવે. એમાં ગુજરાત એક એક્સેપ્શન બન્યું અને ગુજરાત માટે “એક જ સ્ટેટ માટે ડેડીકેટેડ” કદાચ આ પહેલો સેમિનાર યોજાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પોર્ટલ પબ્લિશર ફ્રેન્ડલી પોર્ટલ છે. પબ્લિશરને ધ્યાનમાં રાખીને બધી જ યોજનાઓ આની અંદર આવરી લેવામાં આવી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખાસ કરીને ટાઇટલ વેરિફિકેશન હોય, રજીસ્ટ્રેશન, રિવિઝન, આ બધી જ બાબતોમાં કલેકટર કચેરીએ જવું, ત્યાં કોઈ અધિકારીની રાહ જોવી, મંજૂરી આવે એમાં જે સમય થાય અને જે તમારો ક્રિએટીવ ટાઇમ બગડે એ બધું આમાંથી નીકળી જવાનું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર બંનેના સંકલિત પ્રયત્નો આ બાબતમાં કાયમ માટે રહ્યા છે. ભૂતકાળમાં પણ નાના મોટા પ્રશ્નોમાં ગુજરાતને સારો પ્રતિસાદ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો છે. તેમણે પ્રકાશકોને સૂચન કર્યું હતું કે કદાચ એવું બને કે તમારા પ્રશ્નના અનુસંધાને કોઈ નિરાકરણ કરવાનું આવે અને કદાચ કોઈ ચૂક પણ થઈ હોય તો ભારત સરકારનું ધ્યાન દોરવામાં આવે તો તાત્કાલિક એમાં નાના મોટા સુધારા કરવાના હોય તો થઈ શકે.

વર્કશોપને આગળ વધારતા પીઆરજીઆઇના અપર મહાનિદેશક ધીરજ કાકડીયાએ પ્રેઝન્ટશન આપતા તમામ પ્રકાશકોને પ્રેસ સેવા પોર્ટલ વિશે ઉંડાણપૂર્વકની સમજણ આપી હતી. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનથી લઇ નવીકરણ, નામ ફેરબદલ, માલિકી હસ્તાંતરણ જેવી ઘણીબધી પ્રક્રિયાઓ ઓછા સમયમાં કઇ રીતે કરી શકાય તેના વિશે માહિતગાર કર્યા હતા. પ્રેઝન્ટેશનમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સહાયક નિદેશક ગૌરવ શર્મા તેમજ યુનિકોપ્સના પૂનમ શર્માએ પણ વિગતવાર માહિતીઓ આપી હતી.

PRP એક્ટ, 2023 હેઠળ પ્રકાશક કે સંપાદક ટાઇટલ બદલવા, ભાષા બદલીને પ્રકાશન કરવા, પાનાંઓ વધારવા કે ઘટાડવા માટે સરકારની પૂર્વમંજુરી લેવી આવશ્યક નથી. આથી હવે સંપૂર્ણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સહયોગી બનાવવામાં આવી છે. નવી વ્યાખ્યા મુજબ, દરરોજ કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર છપાતું, ન્યૂઝપ્રિન્ટ પર છપાયેલું અને લૂઝ શીટ સ્વરૂપે ઉપલબ્ધ પ્રકાશન “ન્યૂઝપેપર” તરીકે ઓળખાશે. ન્યૂઝપેપર અને મેગેઝિન બંનેને નવા નિયમોની પરિભાષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકાશન શરૂ કરવા માટે પહેલાં જે પ્રક્રિયા હતી, જેમ કે ટાઇટલ માટે અલગથી અરજી, વ્યક્તિગત વિગતો જેવી કે નાગરિકતા, રહેઠાણ, ભાષા, સામગ્રી વગેરેની વિગત આપવી અને પછી કલેક્ટર ઓફિસમાંથી પ્રમાણિકરણ કરવું સરળ બનાવવામાં આવ્યું છે. આ નવા નિયમો પ્રકાશનના હકમાં વધુ સ્વતંત્રતા અને જવાબદારી લાવશે તથા મીડિયા ક્ષેત્રે નવા વિચારો અને પ્રયોગોને પ્રોત્સાહન આપશે.

આ વર્કશોપનો ઉદ્દેશ્ય નવા ઘડાયેલા “પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ (PRP) એક્ટ, 2023” વિશે માહિતગાર કરવાનો તેમજ પ્રકાશકોને અખબારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, નવીકરણ, નામ ફેરબદલ, માલિકીનું હસ્તાંતરણ વગેરે માટેની તાલીમ આપવાનો હતો. સાથે જ પ્રકાશકોને આ પ્રક્રિયા કરતી વખતે આવતી તકલીફોનું નિરાકરણ લાવવાનો હતો. આ વર્કશોપમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. જેમને પ્રકાશકોની નવી પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના…

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં…

1 of 24

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *