અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી સતત વહી રહી છે. સિવિલ હોસ્પિટલને ૨૧૩મું અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે. રાહુલભાઈના અંગદાનથી ૨ કિડની, ૧ લીવર અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે થયેલા ૨૧૩મા અંગદાનની વિગતો જોઈએ તો ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા અને દિવસ દરમ્યાન જીમમાં સફાઇ કામ અને રાત્રે પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૦ વર્ષીય રાહુલભાઈ મકવાણા તરફથી અંગદાન મળ્યું છે. તેઓ ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કલોલ પાસેના પીયજ ગામ નજીક બાઇક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટના વખતે આસપાસના લોકો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, જે સૌથી પહેલાં તેમને કલોલની સરકારી હોસ્પિટલ લઈ ગઈ. સ્થિતિ ગંભીર જણાતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાર પછી વધુ સારવાર અર્થે એ જ દિવસે રાત્રે ૦૯.૪૫ વાગ્યે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૧મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટરોએ રાહુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા રાહુલભાઇની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના ભાઈ અજયભાઈ તેમજ અન્ય હાજર સગાંઓને સમજાવતાં તેઓએ રાહુલભાઈ મકવાણાનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડૉ. રાકેશ જોષીએ રાહુલભાઈને આદરાંજલિ આપવા સાથે તેમના પરિવારજનોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ૨૧૩મા અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૧૩ અંગદાન થકી કુલ ૭૦૫ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો ૧૫૦ ચક્ષુ તેમજ ૨૪ ચામડી મળી કુલ ૧૭૪ પેશીઓ સાથે કુલ ૮૭૯ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા મેળવવામાં આવ્યું છે, તેમ ડૉ.જોષીએ વધુમાં જણાવ્યુ હતું.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૮ લીવર, ૩૯૦ કિડની, ૧૭ સ્વાદુપિંડ, ૬૮ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૫૦ ચક્ષુ તથા ૨૪ ચામડીનું દાન મળ્યુ છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનથી મળેલ ૨ કીડની અને ૧ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, તેમજ મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.