કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર પ્રથમ”ના સંકલ્પ સાથે કાર્ય કરે
સ્વદેશી અપનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રેરણા અપાઈ
પોરબંદર. તા.૨૬:પોરબંદરમાં વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન રમત ગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદરના યુવાનોને આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૨૭ ના સંકલ્પને સાકાર કરવા રાષ્ટ્રપ્રથમના ધ્યેય સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનો સાથે ભાષણ નહીં પરંતુ સંવાદ જરૂરી છે. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અગત્યની ગણાવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત બનાવવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર ભારત બનાવવું જરૂરી છે. તેના માટે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી અપનાવવું આવશ્યક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશીનો ખ્યાલ આપ્યો હતો અને તેના આટલા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટના લાલ કિલ્લેથી તેના માટે આહવાન કર્યું છે.
પોરબંદરના ઇતિહાસ સાથે સંકળાયેલા વેપાર, અમદાવાદના મસ્કતી બજારના ઉદાહરણ તથા આઝાદી સંઘર્ષ દરમિયાન લાખો યુવાનો દ્વારા આપેલી શહાદતને યાદ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુવાનોએ દેશ માટે મરવુ નહીં, પરંતુ દેશ માટે જીવવુ પડશે. આગામી ૨૫ વર્ષમાં યુવાનો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે.
સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગેવાની લેતા એક લાખ યુવાનો તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. માય ભારત પોર્ટલ મારફતે વિકસિત ભારત વિષે ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તથા યુવાનો દ્વારા કરાયેલા વડાપ્રધાનશ્રી સમક્ષ પ્રેઝન્ટેશનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીશ્રીએ સ્વદેશી અપનાવવાના લાભો સમજાવતાં વડાપ્રધાનશ્રીના ઐતિહાસિક નિર્ણયોમાં કર્તવ્યપથ, નવું સંસદ ભવન, નવા કાયદા તેમજ સ્વદેશી હથિયારો અને સેટેલાઇટ્સ થકી દેશની આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
કોરોના કાળ દરમ્યાન આત્મનિર્ભર ભારત થકી સ્વદેશી વેક્સિનની સફળતા અને વિશ્વને સહાયતા, ઓપરેશન સિંદૂરનું પરાક્રમ તથા ભાવનગરમાં વહાણ અંગેના નિર્ણયોનું વિશેષ ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ પહેલગામમાં યાત્રિકો ઉપર કરેલા હુમલાના આંતકવાદીઓને ભારતમાં નિર્માણ પામેલા સેટેલાઈટ અને હથિયારો વડે ગીચ જંગલોમાંથી શોધીને ઠાર કરીને આત્મનિર્ભર ભારતની ક્ષમતાના દર્શન કરાવ્યા છે.
અંતમાં મંત્રીશ્રીએ યુવાનોને “રાષ્ટ્ર પ્રથમ”ના સંકલ્પ સાથે કાર્ય કરવા આહવાન કરતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેઓ કોઈપણ સર્વોચ હોદ્દા પર હોય, તેમ છતાં ગામડાના છેવાડાના લોકોના હિતને પ્રાથમિકતા આપશે તો ભારતને વિકસિત બનતા કોઈ રોકી શકશે નહીં.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સહિત ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “અમારા લોકસભા સાંસદશ્રી મનસુખભાઈ માંડવીયા યુવાનો સાથે જોડાયેલા મંત્રી છે. દેશના મહત્વના વિભાગો – શ્રમ અને રોજગાર, યુવા બાબતો તથા રમતગમતની જવાબદારી વડાપ્રધાનશ્રીએ તેમના શિરે સોંપી છે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ તથા ૨૦૩૬ના ઓલિમ્પિક્સની તૈયારીઓની મહત્વપૂર્ણ જવાબદારી પણ મનસુખભાઈ સંભાળી રહ્યા છે. તેમણે યુવાનોને પ્રોત્સાહન, માર્ગદર્શન તથા દિશા-સૂચન આપતા વી.આર. ગોઢાણીયા સંસ્થાના યોગદાનની પણ પ્રશંસા કરી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોરબંદરનું નામ માત્ર દેશ નહીં પરંતુ વિશ્વના નકશામાં પ્રસ્થાપિત થાય તેનો પાયો નખાઈ ગયો છે અને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
કાર્યક્રમ દરમ્યાન કોન બનેગા કરોડપતિ શોમાં સહભાગી થયેલા જીગ્નાબેન અને વી. આર. ગોઢાણીયા કોલેજના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર , વી આર ગોઢાણીયા કોલેજના ટ્રસ્ટી શ્રી વિરમભાઈ ગોઢાણિયા, ટ્રસ્ટી શ્રી જયશ્રીબેન ગોઢાણીયા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડૉ.ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખશ્રી સાગરભાઇ મોદી, જિલ્લા કલેકટર શ્રી એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરી , અગ્રણી શ્રી અશોકભાઈ મોઢા સહિત સંલગ્ન અધિકારીઓ, શિક્ષકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.