યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા ભોજનાલય ચલાવવામાં આવે છે. દૈનિક લગભગ ૮ થી ૧૦ હજાર જેટલા યાત્રાળુઓ વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે. હાલનું અંબિકા ભોજનાલય બિલ્ડીંગ જુનું થઇ ગયેલ હોઈ તથા આગામી સમયમાં અંબાજી- ગબ્બર કોરીડોર અંતર્ગત હયાત ભોજનાલય બિલ્ડીંગ ડીમોલીશ કરવામાં આવનાર છે ,
જેથી યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દાંતા રોડ ઉપર દિવાળી બા ગુરુભવનવાળી જગ્યાએ ભોજનાલય માટે નવીન ડોમ બનાવી અંબિકા ભોજનાલય આજથી શરુ કરવામાં આવેલ છે. અંબિકા ભોજનાલયના દાતાશ્રીઓ, અંબાજી મંદિરના પુજારીશ્રીઓ, મંદિર ટ્રસ્ટના સ્ટાફની ઉપસ્થિતિમાં વિધિવત પૂજન , અર્ચન કરી સૌ પ્રથમ ૫૧ દીકરીઓને ભોજનનો પ્રારભ કરાવી નવીન અંબિકા ભોજનાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જૂના અંબિકા ભોજનાલયની જગ્યાએ આ નવીન સ્થળ દાંતા રોડ, દિવાળી બા ગુરુ ભવન ખાતે (અંબિકા અન્નક્ષેત્ર) નિઃશુલ્ક ભોજનાલય આજ રોજ તા. ૦૧/૧૦/૨૦૨૫ થી શરુ કરવામાં આવેલ છે. નવીન બદલાયેલ સ્થળ ઉપર વિનામૂલ્યે ભોજનનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી યાત્રાળુઓને વિનંતી છે. જય અંબે