વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્વારા)
તળાજાથી 20 કિલોમીટરના અંતરે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ કે જ્યાં સમુદ્ર અને સાધનાનો સંગમ છે તે ભૂમિ પર પૂ. મોરારિબાપુના વ્યાસાસને તારીખ 4 ઓક્ટોબરથી આરંભાયેલી રામકથા જેનું શીર્ષક માનસ ગોપનાથ અપાયેલું તે આજે તારીખ 12 ના રોજ વિરામ પામી.
આજના કથા સંવાદમાં પ્રવેશ કરતા જિજ્ઞાસુના પ્રશ્ન સંદર્ભમાં પુ.મોરારિબાપુએ કહ્યું કે જે ગઈકાલે હનુમાનજીના વિવિધ સ્વરૂપોની વાત શ્રીમદ્ ભાગવતજીના સંદર્ભમાં થઈ હતી તો તેમાં ઘણા બધાં લોકોએ વિવિધ નોંધ મોકલાવી છે. પરંતુ આ સંદર્ભ એ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં મળી આવ્યો છે. જોકે એવું કહેવાય છે કે શાસ્ત્ર અંગે આપણે કોઈ પારંગતતા અંગેનું વિધાન ન કરી શકીએ કારણકે શાસ્ત્ર પર કોઈનું આધિપત્ય થઈ ન શકે. માનસ કહે છે કે રાજા સ્ત્રી અને શાસ્ત્ર એ કોઈના વશમાં નથી.સમાજના કુલ નવ લોકો સાથે વિરોધ ન કરવો.
સસ્ત્રી,મર્મી,સમર્થ, શઠ,ધની,વૈધ,કવિ,રસોયો, વગેરે સાથે વિરોધ કે વિવાદ ન કરાય.કળિયુગમા રામ સ્મરણ સત્ય,રામ ગાવું એ પ્રેમ અને રામકથા સાંભળવી તે કરુણા છે.જો આટલુ કરીએ એટલે કલ્યાણ થાય.
965માં કથાક્રમની કથામાં આજે માનસના પ્રસંગો રામનો વનવાસ,રામનું વન વિચરણ,સીતા હરણ,રાવણની લંકામાં માતા જાનકીની સ્થિતિ અને હનુમાનજીની સેવા તેનું લંકામાં ઉતરાણ ,માતા જાનકીના દર્શન, રાવણનું નિર્વાણ અને રામ રાજ્યાભિષેકની કથા સંક્ષિપ્તમાં ગવાઈ હતી.
બાપુએ અંતે કહ્યું કે કથાનુ જ્યારે ગાન કરવા બેસીએ છીએ ત્યારે બધું કહેવાય જાય છે અને બધું રહી જાય છે. પણ આ કથા એ સાર્વત્રિક રીતે ખૂબ નિર્વિઘ્ને વિરામ થવા જઈ રહી છે ત્યારે આ પંથક બધા ઉપર નવા વર્ષના ઈશ્વરના આશીર્વાદ ઉતરે તેવો ભાવ વ્યક્ત કરું છું. દરમિયાન બંને સંસ્થાઓના વડા પૂ.સીતારામબાપુ અને પૂ.આત્માનંદજી સરસ્વતીનો પણ બાપુએ આભાર પ્રગટ કર્યો હતો.
આસપાસના ગામજનોએ નવ દિવસ સુધી ખૂબ મોટા પ્રમાણમાં સ્વયંસેવક તરીકે અને ભોજન પ્રસાદની વ્યવસ્થામાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હતું. પણ એક વાત એ મહત્વની ગણી શકાય કે બાપુએ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન તલગાજરડાના વાયુમંડળમાં વિવિધ કથાઓના આયોજન અંગેની જાહેરાતો કરી હતી.
જેમ કે 2022 માં માનસ માં તું ભવાની 2023 માં માનસ ભૂતનાથ અને સને 2024માં કાકીડીની માનસ ત્રિભુવન રામકથાનું ગાન થયું હતું અને છેલ્લે માનસ ગોપનાથની જાહેરાત કાકીડીમાં થઈ હતી.તે કથા આજે વિરામ પામે છે.પણ સને 2026ની વાયુમંડળની કથાની જાહેરાત થશે તેવી લોકોને કાગડોળે પ્રતિક્ષા હતી.સંભવ છે કે બાપુ હવે પછી પણ તેની જાહેરાત કરે તેવો સંભવ!