પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા “ત્રિશુલ 2025” કવાયત હાથ ધરાઈ અને સફળતા પૂર્વક સંપન્ન થઈ.
પોરબંદરના માધવપુર ખાતે ભારતની થલ, નેવી અને વાયુ ત્રણેય સેનાના સંકલને “ત્રિશૂલ 2025” કવાયત હાથ ધરાઈ હતી જેના સમાપન પ્રસંગે યોજવામાં આવેલા એક ડેમોસ્ટ્રેશનમાં દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નગેશ કપૂર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મીડિયાને સંબોધિત કરતા આ વિશે જાણકારી આપી હતી. આ યુદ્ધ અભ્યાસના ભારતની ત્રણેય સેનાની તાકાતનો પરચો જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન્સની પાછળ કેટલાય મહિનાઓનું પ્લાનિંગ અને તૈયારીઓ ચાલી હતી અને અહીં એમ્ફિબિયસ ઓપરેશન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય સેવાઓના ઘટકો જોડાયા હતા.
ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા ત્રિશુલ-2025નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ભૂમિસેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઇ કમાન્ડ મુખ્ય સહભાગી ફોર્મેશન હતા. આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી (ક્રીક) અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે ઓપરેશન્સ, તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં એમ્ફિબિયસ ઓપરેશન્સ સહિત વ્યાપક દરિયાઈ ઓપરેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા.
આ કવાયતમાં મુખ્યરૂપે સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા પર અને ત્રણેય સેવાઓમાં મલ્ટી-ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સમન્વયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
જેઓસી, એઓસી અને એફઓસી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ ઓપરેશન અંગે પત્રકારોને જાણકારી આપી હતી. આ પ્રસંગે ત્રણેય સેના દ્વારા દિલધડક યુધ્ધા અભ્યાસને દર્શાવવામાં આવ્યો હતો.
આ દિલધડક કવાયતને જોવા જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા એસપી સહિત ડીડીઓ, ડીઇઓ, મ્યુ. કમિશનર અને અન્ય અધિકારીઓ સહિત એનસીસી કેડેટ્સ, ત્રણેય પાંખોના અધિકારીઓ, સેનાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કવાયતને પ્રત્યક્ષ નિહાળી હતી.
















