કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કચ્છ અલગ તરી આવે છે. ગુજરાતીમાં કહેવત છે ને ‘કચ્છડો બારેમાસ’ આ પ્રદેશની આબોહવા, પશુપાલન, કૃષિ અને સાંસ્કૃતિક કલાવારસા સાથે જોડાયેલો પ્રદેશ છે.
કચ્છી લોકભરત તો વૈશ્વિક ઓળખ બની ચૂક્યુ છે. વણાટકામ, હેન્ડીક્રાફ્ટ, શાળ ઉદ્યોગ સાથે અનેક પ્રકારના ગૃહઉદ્યોગો અહીંયા રોજગારીના આધારસ્તંભો બનીને અનેક લોકોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. કચ્છની સંસ્કૃતિ વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં અલગ ભાત પાડે છે. અહીંના શિલ્પો, સ્થાપત્યો, દેવાલયો અને સ્મારકોએ કચ્છની ગૌરવંતી પ્રજાના શ્રદ્ધા કેન્દ્રો છે.
કચ્છની વૈશ્વિક ધરોહર – ધોળાવીરા, ભૂકંપ સ્મૃતિવન સંગ્રહાલય અને રણોત્સવ ના લીધે કચ્છ પ્રવાસનક્ષેત્રે વૈશ્વિક દરજ્જો મેળવી ચૂક્યું છે, ત્યારે આ ધરોહરનું જતન અને સંવર્ધન કરવું એ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે. આ પ્રદેશનો કલાવારસો પ્રજાલક્ષી બને અને નવી પેઢીમાં આ અંગેની સમજ કેળવાય અને તેના પ્રત્યે આદરભાવ જાગે એવા શુભ આશયથી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય વિરાસતોનું રાષ્ટ્રીયક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલા કલાકારો દ્વારા ચિત્રાત્મક દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
આ ગ્રંથના લેખો ગુજરાતના સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ અને કચ્છ મિત્રના પૂર્વ સહતંત્રી નરેશ અંતાણી, હિન્દીમાં અનુવાદ વિમલા ઠક્કરે કર્યો છે, જ્યારે અંગ્રેજીમાં ડૉ. કાશ્મીરાબેન મહેતાએ કર્યો છે. કચ્છના સુપ્રસિદ્ધ તસ્વીકાર અરવિંદભાઈ નાથાણી નું પ્રદાન યશસ્વી રહ્યું છે.
કચ્છની ધરોહર કલાસંપુટ સ્વરૂપે આ દસ્તાવેજીકરણ કાયમી ધોરણે ભુજ ખાતે આવેલા કચ્છ મ્યુઝિયમમાં સચવાય અને આવનારા લોકો મ્યુઝિયમના પ્રદર્શનની સાથે કચ્છની ધરોહરને પણ સમજે, જાણે અને તેના પ્રત્યે અહોભાવ જાગૃત થાય તેવા શુભ આશયથી આ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે,
કચ્છના અગ્રણી ઉદ્યોગપતિ અને કલાતીર્થના પરામર્શકશ્રી દેવેન્દ્રભાઇ શાહની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણા – પ્રોત્સાહન થકી લીલાધર પાસૂ ફોરવર્ડસ પ્રા. લિ. – મુંબઈના આર્થિક સૌજન્યથી આ પ્રકલ્પ સાકાર થયો છે. કચ્છ મ્યુઝિયમની મુલાકાતે આવનાર શાળાના વિદ્યાર્થીઓ, ઇતિહાસવિદ્દો, પુરાતત્ત્વવિદ્દો અને અનેક સંશોધનક્ષેત્રે કામ કરતા અનેક લોકોના કલાજીવનમાં આ માહિતી ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે તેવી અમને અતૂટ શ્રદ્ધા છે. વંદે માતરમ્ , જય જય ગરવી ગુજરાત…
















