સનાતન ભારતીય સંસ્કૃતિના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે. મંદિર, શાસ્ત્ર અને સંત. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે મંદિર નિર્માણની પરંપરાનો પ્રારંભ કરેલો જે આ જ પર્યંત ચાલી રહેલ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી દેશ-વિદેશમાં ભવ્ય મંદિરો તથા સંસ્કારધામો નિર્માણ પામી રહ્યા છે. આ મંદિરો તથા સંસ્કારધામ અધ્યાત્મની સાથે સાથે સંસ્કાર, સમાજસેવા, શિક્ષણ અને સ્વાસ્થ્યની ગંગોત્રી વહાવી રહ્યા છે.

મંદિરોની આ પરંપરામાં ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર સંસ્કારધામ નિર્માણ પામશે. આ સંસ્કાર ધામની ખાતમુહૂર્ત વિધિ વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 104 માં જન્મદિવસના પવિત્ર દિવસે તા.૨૮.૧૧.૨૫ ના રોજ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી , કોઠારી સંત પૂજ્ય યોગ વિજય સ્વામી , સંતો , મહાનુભવો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. પ્રારંભમાં ગર્ત માં પધરાવવામાં આવનાર ઈંટોનું પૂજન, વાસ્તુ દેવતાઓનું પૂજન તથા સૌનું હિત થાય એવી શુભભાવના સાથે વૈદિક મહાપૂજા કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ મંદિરોની જરૂરિયાત જણાવતા કહ્યું કે જેમ કોઈપણ કાર્ય કરવા માટે સ્થાનની જરૂર પડે છે તેમ ભગવાન ભજવા માટે , સંતાનોમાં સંસ્કારોના સિંચન માટે , આદર્શ સમાજના નિર્માણ તેમજ સેવા કાર્યો માટે મંદિરોની જરૂર પડે છે અને આ નૂતન સંસ્કાર ધામ દ્વારા સૌને આગામી સમયમાં લાભ પ્રાપ્ત થશે.


















