ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી વર્ષ ૨૦૨૫-૨૬ નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવી રહયું છે. રજત જયંતી વર્ષ નિમિત્તે અલગ અલગ લક્ષ્યાંકો રાખવામાં આવેલ છે.
જેમાં મોટા ભાગના લક્ષ્યાંકો પૂર્ણ થવાના આરે છે. બાકીના લક્ષ્યાંકોની કામગીરી ચાલુ છે. રજત જયંતી વર્ષ નિમિત્તે એક અલગ ફોર્મેટમાં સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર. જોષી સાહેબે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરેલ છે. જેમાં જીત ઉપર નહિ પરંતુ પોઈન્ટના આધારે હાર-જીત નક્કી થતી થાય છે.
તા. ૨૨/૧૨/૨૦૨૫ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો સર્વોત્તમ ડેરીના સર ચિલિંગ સેન્ટર પર સવારના ૯:૩૦ કલાકે પ્રારંભ થયેલ છે. જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત તથા સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર શ્રી એચ.આર.જોષી તથા પ્રથમ દિવસે રમવા આવેલ સર્વોત્તમ ડેરીની માતૃસંસ્થા ગુજરાત કો –ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ક્રિકેટ ટીમના કેપ્ટન અને સર્વોત્તમ ડેરીની ક્રિકેટ ટીમના ટીમના કેપ્ટન દ્વારા ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટ તા. ૧૦/૦૧/૨૦૨૬સુધી ચાલનાર છે જેમાં ગુજરાત કો –ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત તમામ જિલ્લાની ટીમો ભાગ લઇ રહી છે. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજરશ્રી યોગેશકુમાર જોષીના નેતૃત્વમાં રમતોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત કો –ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત તમામ જિલ્લાના દૂધ સંઘોના કર્મચારીઓ, જિલ્લા રજિસ્ટ્રાર ઓફીસના કર્મચારીઓ તથા ભાવનગર સહકારી બેંકના કર્મચારીઓ ભાગ લેશે.
દરરોજ માટે એક જિલ્લાના દૂધ સંઘની ટીમ આવીને સર્વોત્તમ ડેરીની ટીમ સામે એક એક મેચ પોઈન્ટ ટેબલ મુજબ રમશે.
જેમાં દરરોજ વધારે પોઈન્ટ લેવાવાળી ટીમ ચેમ્પીયન બનશે અને તે ટીમને ચેમ્પીયન ટ્રોફી આપવામાં આવે છે. ઓછા પોઈન્ટ લેવાવાળી ટીમને રનર્સઅપ ટ્રોફી આપવામાં આવે છે. આ ઉપરાંત મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, અણનમ રહેનાર ખેલાડીને, બેસ્ટ હેટ્રિક બોલર અને હેટ્રિક બાઉન્ડ્રી મારનારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સ્થાપક ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોતે બંને ટીમના ખેલાડીઓ સ્પોર્ટ્સમેનશીપ રાખી ભાઈચારાથી રમે, મસ્ત બને અને તંદુરસ્ત બને તેવી શીખામણ આપી હતી. સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર શ્રી એચ.આર.જોષીએ ફેડરેશન અને સર્વોત્તમ ડેરીની ટીમ એકબીજા સામે રમશે તો ભાઈચારો વધશે.
એક બીજાની ઓળખાણ થશે. સહકારી સંસ્થાઓ વચ્ચે સંકલન રહેવું ખુબ મહત્વનું છે તેમજ હળી મળીને કામકાજ થાય તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.
આમ સર્વોત્તમ ડેરી તરફથી આવું આયોજન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત થઇ રહયું છે. આવેલ યજમાન ટીમો સર્વોત્તમ ડેરી તરફથી આવડું મોટું ભવ્ય આયોજન કરી સમગ્ર ગુજરાતના દૂધ સંઘોને જોડવાનું કામ કરવા બદલ અભિનંદન આપેલ છે.
રિપોટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર
















