કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ તપાસની માંગ ઉઠાવી
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં થયેલા વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને ગામમાં બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ અને સુરક્ષા માટે લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉપસરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં થયેલા વિકાસના કામોમાં ગંભીર અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. મેસવાણ ગામના ઉપસરપંચ શ્રી ભૂપતભાઈ બાબરીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગામમાં નિર્માણ કરાયેલા ફિલ્ટર પ્લાન્ટના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે.
ફિલ્ટર પ્લાન્ટ માટે લાવવામાં આવેલા પ્લાસ્ટિકના પાણીના ટાંકા એક જ સ્થળે ઢગલાબંધ રાખવામાં આવ્યા છે, પરંતુ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેના કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વધુ મજબૂત બની છે.
આ ઉપરાંત, ગામમાં સુરક્ષા વ્યવસ્થા માટે લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાઓમાંથી કેટલાક કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ગામની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
ઉપસરપંચ ભૂપતભાઈ બાબરીયાએ વધુમાં જણાવ્યું કે, આ તમામ મુદ્દાઓ અંગે તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને અનેક વખત લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી છે. અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટમાં પણ ફિલ્ટર પ્લાન્ટમાં જરૂરી સાધનો લગાવવામાં ન હોવાનું સ્પષ્ટ થયું છે. તેમ છતાં આજદિન સુધી કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
પરિણામે મેસવાણ ગામના ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ગામમાં થયેલા તમામ વિકાસના કામોની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અટકેલા વિકાસ કામો તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે, જેથી ગામનો સર્વાંગી વિકાસ શક્ય બની શકે
અહેવાલ શોભના બાલશ કેશોદ
















