કેશોદ તાલુકાના કારવાણી ગામે એક હૃદયવિદારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 30 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનોએ એક વ્યક્તિ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
કેશોદ તાલુકાના કારવાણી ગામે ગામના સ્મશાનની બાજુમાં આવેલી વાડી વિસ્તારમાં રહેતા મયુર અમુભાઈ ધના (ઉંમર 30 વર્ષ)એ સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકના માતા-પિતા કોઈ કામસર કેશોદ ગયા હતા. સાંજના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે પોતાના પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી મયુરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકના પિતા અમુભાઈ ધારાભાઈ ધનાએ પોલીસને આપેલી માહિતી અનુસાર, તેમના જ ગામના અનિરુદ્ધસિંહ ભોજુંભાઈ જખીયા દ્વારા પરિવારને અવારનવાર ધાક-ધમકી આપવામાં આવતી હતી તેમજ સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ ત્રાસથી કંટાળીને આશરે ચાર માસ અગાઉ મૃતકના પિતાએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે સમયે પણ સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
ઘટનાની જાણ થતા કેશોદ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે વિગતો મેળવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને આરોપી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ શોભના બાલશ કેશોદ જુનાગઢ
















