પતંગ અને તેની દોરી નિર્દોષ પક્ષીઓ માટે જીવલેણ ન બની જાય તે માટે પ્રેરણા ફાઉન્ડેશનના સહયોગથી છેડાયું અભિયાન
ભાવનગર તા.24/01/2026
ઉતરાયણમાં પતંગ ઉડાડ્યા બાદ જ્યાં ત્યાં કપાયેલા પતંગ અને તેની દોરી નિર્દોષ પક્ષીઓ માટે જીવલેણ ન બની જાય તે માટે શહેરના કુંભારવાડા વિસ્તારની સરકારી શાળામાં પ્રેરણા ફાઉન્ડેશનના જીવદયા રક્ષકો અને અન્ય સેવાભાવી અગ્રણીઓના સહયોગથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલી સરકારી શાળામાં એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જીવદયા રક્ષક કિરીટભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે, અમે જીવદયા કાર્ય સાથે સંકળાયેલા છીએ, ત્યારે પ્રાણીઓની સાથે પક્ષીઓને પણ ખ્યાલ રાખવા માટે અમે જે બાળકો પતંગની દોરીઓ લાવશે તેના પ્રોત્સાહન રૂપે ઇનામ આપવાના હતા.
જેથી આજે 200થી વધારે દીકરા દીકરી જ્યાં ત્યાં પડેલી રસ્તા પરની દોરી અને પતંગનો કચરો લઈ આવ્યા છે. આશરે 250 કિલો થી વધારે આ દોરીઓનો જથ્થો અમારી પાસે આવ્યો છે. આમ કરવાથી સ્વચ્છતા થશે અને પક્ષીઓના પગમાં આવતી દોરીથી તેમનો જીવ બચી શકશે.
દોરી લાવવામાં બદલ બાળકોને નોટબુક, પેન, કંપાસ વગેરે જેવી શાળાકીય ઉપયોગી ચીજ વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેથી બાળકો પ્રોત્સાહિત થયા છે.
આ અભિયાન સફળ થયું હતું. જો કે આવું દરેક શાળામાં થવું જોઈએ તેમ કેટલાક વાલીઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી.
















