અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીઓ માટે પણ “ ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ” નો અભિગમ અપનાવીને એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપવાની તાકીદ હાથ ધરવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરમા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની કોરોનો ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલના પ્રાંગણમાં ઉભેલી એમ્બ્યુલન્સમાં સ્વાસ્થ્યને લગતી ગંભીરતા ધરાવતા દર્દીને દાખલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. અન્ય કેસમાં દર્દીને રાહ જોવી પડે છે ત્યારે તેમને સ્વાસ્થ્યને લાગતી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા દર્દીઓ માટે સંવેદનાસભર નિર્ણય કરવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીના મહામૂલા માનવજીવનને બચાવવાનો પ્રયાસ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., સી.એમ.ઓ. જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ આ સુદ્રઢ આયોજનમાં મહત્વની કડી બન્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦બેડ હોસ્પિટલના નર્સ દિપાલી જાદવ કહે છે કે, હું ઓ.એસ. સ્ટાફ તરીકે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને મને કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્વાસ્થ્ય લગતી પ્રાથમિક સારવાર આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.દર્દીને ડીહાઇડ્રેશન ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવે છે. દર્દીને જરૂરિયાતને અનુલક્ષીને વિવિધ ઇન્જેકશન અને એન્ટીબાયોટીક આપી સારવાર હાથ ધરવામાં આવે છે.
જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબ ડૉ. યોગેશ મોરી કહે છે કે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવે અને કોરોનાના બેડ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી દર્દીને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની કામગીરી અમારા તબીબો દ્વારા હાથ ધરવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ ઉપર રહેલા દર્દીને ઓક્સિજનની વધુ જરૂરિયાત જણાઇ આવતા તાકીદે તે પણ સંતોષવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં વાયરસ વધુ ધાતક બન્યો છે ત્યારે દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે.સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળે છે ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ઉક્ત નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.
તેઓ ઉમેરે છે કે, એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીને શારિરિક સ્થિતિની ગંભીરતા પ્રમાણે “લાઇન ઓફ ટ્રીટમેન્ટ” નક્કી કરવામાં આવે છે. દર્દીને ટ્રાયેજ થી લઇ વોર્ડમાં સારવાર અર્થે મોકલવા સુધીની તમામ પ્રક્રિયા સરળ બની રહે તે માટેનું સુદ્રઢ આયોજન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.