જામનગર: કોરોનાને નાથવા હાલ વેક્સિન જ ઇલાજ છે ત્યારે જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ડો.કાજલ ચૌહાણ જામનગરની જનતાને અપીલ કરતાં જણાવે છે કે, લોકો વધુમાં વધુ કોરોના પ્રતિરોધક રસી લઈ કોરોનાથી મુક્ત થાય.કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા જામનગર શહેરમાં કોવિશિલ્ડ તથા કોવેકસીન વેકસીન ઉપલબ્ધ છે.જામનગરના લોકો આમાંની કોઈપણ એક વેકસીનના બંને ડોઝ લઈને કોરોનાથી પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે.રાજય સરકાર દ્વારા 18 થી 44 વર્ષની ઉંમરના યુવાઓ માટેનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કોવિન એપ મારફત વધુમાં વધુ યુવાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લે એ જરૂરી છે કારણ કે કોરોના સામે લડવા હાલના તબક્કે રસીકરણ જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે.
ડો.કાજલ ચૌહાણ વધુમાં જણાવે છે કે મેં કોવિશિલ્ડ વેક્સિનેશનના બન્ને ડોઝ લઇ લીધા છે. જેની કોઇપણ જાતની આડઅસર જોવા મળી નથી. કોરોનાના સંક્રમણમાં રસીકરણનાં કારણે હું સુરક્ષીત છું. હાલ હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની તપાસ કરૂ છું અને મને કોઇપણ જાતની તકલીફ કે સંક્રમણ થઇ શક્યુ નથી જેનુ કારણ રસીકરણ છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. રસીકરણની પ્રક્રિયા એકદમ સુરક્ષીત છે. સૌ લોકોએ મનમાં કોઇપણ જાતનાં ડર કે શંકા રાખ્યા વિના રસીકરણ કરાવી લેવું જોઇએ તેવી મારી તમામ નાગરીકોને મારી અપીલ છે.