બનાસકાંઠા: વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલે આયુર્વેદીક ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. અંબાજી મંદિર દ્વારા અંબાજી આજુબાજુના ગરીબ આદિજાતિ સમુદાયના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદીક ઉકાળા અને આર્સેનીક આલ્બમ દવા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાંતા તાલુકાના ૧૮૭ ગામો માટે આયુર્વેદીક ઉકાળા અને દવા માટેના ૧૦ જેટલાં રૂટના વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની સફળતા બાદ આજે યાત્રાધામ અંબાજી ખાતેથી બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે અમીરગઢ તાલુકાના ૭૧ ગામો માટેના આયુર્વેદીક ઉકાળાના વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું. દાંતા તાલુકાના ૧૮૭ ગામો અને અમીરગઢ તાલુકાના ૭૧ ગામો મળી કુલ-૨૫૮ ગામોમાં ૧૦ વાહનો દ્વારા આયુર્વેદીક ઉકાળા અને આર્સેનીક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવે છે. આ બંને તાલુકાઓમાં ૭૭૦ કિ.ગ્રા આયુર્વેદીક ઉકાળો અને ૭૭,૭૫૦ પેકેટ આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવશે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ જણાવ્યું છે.