અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬
૨૬૨૫ જેટલા વિખૂટા પડેલા માઇભક્તોનું પરિવાર સાથે સુખદ મિલન
અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. અંબાજીના તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે, ત્યારે અનેક લોકો પોતાના સગા સંબંધીઓથી વિખુટા પડી જતાં હોય છે. આવા સમયે જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.
અંબાજી ખાતે શરૂ થયેલ આ કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે. અંબાજી શક્તિદ્વાર નજીક મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે, જેથી મેળા દરમિયાન વિખૂટા પડેલા કે ખોવાયેલ વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે. પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે જિલ્લા આયોજન અધિકારી એસ.એન.પટેલે જણાવ્યું કે, અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં તા. ૨૪ સપ્ટબેરના બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૬૨૫ જેટલા વિખુટા/ખોવાયેલા વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે. આ એનાઉન્સમેન્ટ ત્રણ થી ચાર વખત કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં આવતા કંટ્રોલ રૂમ પર લોકલ ફોર વોકલ અંતર્ગત માહિતીગાર કરવામાં આવે છે. આ ઉપરાંત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી રહી છે.
આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન,બેગ, મોબાઈલ, પાનકાર્ડ, આધારકાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ, ATM કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. ૩ શિફ્ટ અને કુલ ૪૦ કર્મચારીઓ સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
















