વિન્ડ-સોલાર પાર્ક માટે જમીનની માપણી સામે ગ્રામજનોમાં રોષ; જમીન ફાળવણીની પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનાં નવ ગામોમાં વિન્ડ-સોલાર પાર્ક સ્થાપવા માટે ખાનગી કંપનીને આશરે ૮,૯૮૩ એકર (૨,૮૬૦ હેક્ટર) જમીન ફાળવવા અને જમીનની માપણી કરવાની હિલચાલ સામે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઈ વલ્લભીપુર મામલતદાર મારફતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન ફાળવણીની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, વલ્લભીપુર તાલુકાના ચમારડી, મોણપુર, માલપરા, મેવાસા સહિત નવ ગામોની જમીન ‘મે. બી.એ. પ્રેરણા રિન્યુએબલ’ કંપનીને વિન્ડ-સોલાર પાર્ક માટે ફાળવવાની હિલચાલ ચાલી રહી હોવાના મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ જમીનોનો ઉપયોગ ગૌચર અને ચરિયાણ તરીકે થતો હોવાથી મોટી જમીન ખાનગી કંપનીને ફાળવવામાં આવશે તો પશુપાલન અને ખેતીના વ્યવસાય પર ગંભીર અસર થવાની ભીતિ છે. ખેડૂતો અને ગ્રામજનોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગામોની ગૌચર જમીન પશુધન માટે મહત્ત્વપૂર્ણ છે.
જો આ જમીનો ખાનગી કંપનીને ફાળવવામાં આવશે તો પશુઓના ચરિયાણનો પ્રશ્ન ઊભો થશે અને માલધારીઓ સહિત પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોની રોજીરોટી પર અસર પડશે. આ ઉપરાંત, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર અભિયાન વલ્લભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ અને ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ જમીન ફાળવણીની હિલચાલ સામે વિરોધ નોંધાવી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક ગ્રામ પંચાયતોની મંજૂરી વિના જમીનની માપણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આથી સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં નિર્ણય લેવામાં આવે તથા જમીન ફાળવણીની પ્રક્રિયા તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જમીન ફાળવણીનો નિર્ણય રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો અને ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆતને ધ્યાને લઈ જમીન ફાળવણીની પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે, તો વલ્લભીપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોના લોકો તેમજ પર્યાવરણપ્રેમીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે આ મામલે જિલ્લા વહીવટી તંત્ર શું વલણ અપનાવે છે અને ખેડૂતોની રજૂઆત અંગે કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















