(અમિત પટેલ , પ્રહલાદ પુજારી અંબાજી)
અંબાજી આવતા યાત્રાળુઓની મદદ માટે શક્તિદ્વાર પર હેલ્પ ડેસ્ક શરૂ કરાશે
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે વેપારીઓ દ્વારા પ્રસાદના નામે લૂંટ ચલાવતી હોવાના અહેવાલો મળ્યા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર તેમજ પ્રસાદ કે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીના નામે માઈભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે જાગૃતતા લાવવા અંબાજીના વેપારી એસોશિયન સાથે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ.જે.ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અંબાજી આવતા યાત્રાળુઓની ફરિયાદના નિવારણ અને તેમની મદદ માટે શક્તિદ્વાર પર હેલ્પ ડેસ્ક શરૂ કરાશે. જેમાં પોલીસ અને ગ્રાહક સુરક્ષા કચેરીના કર્મચારીઓ માઇભક્તોની સેવામાં તેૈનાત રહેશે. જયારે પંચાયત, રેવન્યું, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ગુપ્ત રીતે નજર રાખી શંકાસ્પદ જગ્યાએ ઓચિંતી ત્રાટકશે.
યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે.અંબાજી ખાતે આવનાર યાત્રિકો સાથે સૌજન્ય પૂર્વક વ્યવહાર થાય તેમજ પ્રસાદ તેમજ અન્ય ચીજવસ્તુઓના નિયમાનુંસાર જ ભાવ લેવામાં આવે તે માટે વેપારીઓને સુચના આપવામાં આવી હતી તેમજ કાયદાકીય બાબતો વિશે સમજ આપી સર્વે વેપારીઓને સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં દાંતા મામલતદારશ્રી, મદદનીશ ટી.ડી.ઓ.શ્રી, પી.આઇ.શ્રી અંબાજી, મદદનીશ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ, જિલ્લા તોલમાપ અધિકારશ્રી, ગ્રાહક સુરક્ષા પ્રમુખ, અંબાજી મંદિર શોપિંગ સેંટર એસોશિયેશન પ્રમુખશ્રી તથા વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.