નેત્રંગ ચાર રસ્તાથી જલારામ મંદિર સુધીનો રસ્તો માનવી માટે જોખમરૂપ બન્યો.
લોકોએ દબાણ કરી કચરો નાખી ગંદુ પાણી પણ રોડ ઉપર કાઢતા કાંકરા છુટા પડી ગયા.
નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક 10 વર્ષ પહેલા બનેલ 1400 મીટર નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર અને જલારામ મંદિર સુધીના રસ્તામાં 14 ખામી યુક્ત બની જતા માનવીને માટે જોખમકારક બની ગયો જ્યારે પશુઓ માટે યોગ્ય બની ગયો હોવા છતાં સરપંચ સહિત સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી.લોકોએ કંટાળીને બજારમાં જવાનું ઓછું કરી દેતા વેપારી એસોસિએશન અને નાના દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.કોરોના મહામારીને લીધે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તેવામાં આ રસ્તાની સમસ્યાથી ત્રાસીને નેત્રંગ ગ્રામ પંચાયત વિરૂધ્ધ આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે.
નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા આશરે 10 વરસ પહેલાં ગામનો રસ્તો બનાવ્યો હતો.આ રસ્તો બનાવ્યોને 365 દિવસ પણ ટક્યો નહિ હોય તેવામાં વરસાદનું પાણી ગતિ અવરોધકમાં
ભરાતા કપચી અને ડામર છૂટો પડી રસ્તો તૂટવાની શરૂઆત થઈ ગઈ હતી.તેવામાં લોકોએ ઘરનો કચરો રસ્તા ઉપર ફેંકતા આખો દિવસ ધૂળ ઊડતી રહે છે.છેલ્લા ઘણા વરસથી લોકોએ તેમના ઘરની ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર કાઢતા તીવ્ર દુર્ગંધ મારતી રહે છે.લોકોએ તેમના ઘર અને દુકાનના ઓટલા બહાર કાઢી દબાણ પણ કરી રસ્તો સાવ સાંકડો કરી મુક્યો છે.રસ્તા ઉપરની કપચી સાવ છૂટી પડી જતા ઘણા વાહનો સ્લીપ થઈ તેમાં સવાર લોકો પડી ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.રસ્તાની આટલી કંગાળ પરિસ્થિતિ હોવા છતાં પંચાયત સતાધીશોના પેટનું પાણી હલતું નથી રસ્તાને રીપેર કરવામાં આવતો નથી કે નવો તો ક્યારે બનશે તેની તો લોકોને આશા જ નથી.
નેત્રંગ ગ્રામ પંચાયત આ 1400 મીટરના 10 વરસ પહેલાં બનેલા રસ્તાનું રીપેરીંગ કરાવે અથવા તો નવો મંજુર કરાવી વહેલી તકે યોગ્ય સરકારી ટેન્ડર મુજબ બનાવે તેવી લોકોની માંગણી છે.ટૂંક સમયમાં રસ્તાનું રીપેરીંગ કે યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો લોકો આંદોલન કરવામાં ખચકાશે નહિ તેવી ચીમકી ગ્રામજનોએ આપી છે.
હાલમાં રસ્તો ખરાબ થઈ જતા સામાન્ય સભામાં રીપેરીંગ કરવા નક્કી કરાયું છે.રસ્તો 15 માં નાણાંપંચમાં 35 લાખના ખર્ચે બનાવવામાં આવશે જેની મંજૂરી મળી નથી.આ વખતે રોડ ઉપરના દબાણ તોડી પહોળો રસ્તો બનાવવામાં આવનાર છે .લોકો જે ગંદુ પાણી અને કચરો નાખે છે તેમની ઉપર આકરા પગલાં લેવામાં આવશે.
સીમાબેન બાલુભાઈ વસાવા સરપંચ ગ્રામ પંચાયત નેત્રંગ.
બોક્ષ- 2-
નેત્રંગ જવાહર બજારનો આખો ડામર રસ્તો સાવ તૂટી ગયો છે .કપચી પણ છૂટી પડી જતા ઘણી વખત ટુ વીલ સ્લીપ થઈ લોકો પડી રહ્યા છે.આ રસ્તો વહેલી તકે રીપેર કરી નવો બનાવવો જોઈએ .રસ્તાની કંગાળ હાલતને લીધે ગ્રાહકો પણ ઘણા ઓછા અંદર બજારમાં આવે છે .
રાજેશ શાહ વેપારી એસોસિએશન પ્રમુખ નેત્રંગ