ગાયત્રી પરિવારના યુવાનો દ્વારા વિના મૂલ્યે વ્યસનમુક્તિ પુસ્તિકાઓનું થયું વિતરણ
મોડાસા, 28 જૂન:
માનવજાત વ્યસનોના નશામાં ઢસડાતી જાય છે. જેના કારણે ઉધઈની જેમ શરીર ખોખલું બની જાય છે. તેમાંય યુવા ધન અણસમજમાં સપડાઈ ગયા પછી આદતથી ફસાઈ જાય છે. આ વ્યસનોથી બચવા જનમાનસમાં જાગૃતિ લાવવા માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના યુવાનો એ કમર કસી છે.
મોડાસા ખાતે જ્યાં વધુ જનતાની અવરજવર હોય એવા સ્થાન મોડાસા બસ સ્ટેશન પર ૨૭ જૂનના રોજ વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવામાં આવી. જેમાં આ યુવાનો બસોમાં તેમજ બસ સ્ટેશન પર જે કોઈ મળે તેઓને આ વ્યસનમુક્તિ સચિત્ર પુસ્તિકા વિના મૂલ્યે વહેંચવામાં આવી. સંભવત: સૌને વ્યસનોના રાક્ષસથી બચવા રુબરુ સમજાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો.
આ ઝુંબેશ ચલાવવામાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના યુવાનો પરેશ ભટ્ટ, પ્રજ્ઞેશ કંસારા, રુગ્વેદ ઉપાધ્યાય, દેવાશિષ કંસારા, વિરેન્દ્ર સોની, હર્ષદ પ્રજાપતિ,ડૉ. ઉચિત પ્રજાપતિ, મનોજ ભાવસાર વિગેરે જોડાયા હતાં.
ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના અગ્રણી કિરીટભાઈ સોનીના માર્ગદર્શનમાં ૨૬ જૂન, વિશ્વ નશામુક્તિ દિવસથી ૨ જી જુલાઈ દરમિયાન ગુજરાતભરમાં “નશા નિવારણ સપ્તાહ” ઉજવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે અરવલ્લી જીલ્લામાં મોડાસા સહિત બાયડ,ધનસુરા, ભિલોડા,મેઘરજ તેમજ માલપુર તાલુકાઓમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવી જનસમાજને આ ભયાનક રાક્ષસથી બચાવવા જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.