સાબરકાંઠાના ખેતીવાડી ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા સ્વામિનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગર ખાતે એક દિવસીય કાર્ય શિબિર યોજાઈ. જેમાં સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના એગ્રો એજન્સી ડીલર્સને તાલીમ આપવામાં આવી હતી.જિલ્લાના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે હેતુથી જીલ્લાના ખેતીવાડી ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા આ એક દિવસીય કાર્ય શિબિર યોજાઈ જેમાં બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓના વિક્રેતાઓને ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ તેના કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિ) મહેસાણાના શ્રી જે.બી ઉપાધ્યાયે વિક્રેતાઓને સંબોધતાં જણાવ્યું હતું કે, વિક્રેતાઓ સાવચેતી રાખી ખેડૂતોને સારું અને ગુણવત્તાયુક્ત બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ પહોંચાડે તો આપણા ખેડૂતો સારું ખેત ઉત્પાદન કરી શકે તેમજ આપણા દેશના વિકાસમાં સહભાગી બની શકે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડૂતોને સમૃધ્ધ બનાવવાનું સ્વપ્ન છે જે આપ વિક્રેતાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ બની દેશના વિકાસમાં મદદરૂપ બનશો.
આ પ્રસંગે નાયબ ખેતી નિયામકશ્રી પી.બી. ખિસ્તરીયા દ્વારા ગુણવત્તા નિયંત્રણ સંદર્ભે એગ્રો ઇનપુટ ડીલર્સેને કાયદાકિય જાણકારી આપી ડિલર્સે આ અંગે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રાંતિજ ખેતીવાડી અધિકારીશ્રી સી.વી.દેસાઈ એ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ હિંમતનગર ખેતીવાડી અધિકાર શ્રી ગઢવી દ્વારા જંતુનાશક દવા અધિનિયમ ૧૯૬૮ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે મદદનીશ ખેતી નિયામક હિંમતનગર શ્રી એચ. આર. પટેલ દ્વારા બિયારણ અધિનિયમ ૧૯૬૬ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા એગ્રો ઇનપુટ ડીલર્સ એસોસીએશનના પ્રમુખશ્રી વિરમભાઈ પટેલે કાર્યક્રમ અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા સાથે વિક્રેતાઓને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ ખાસ કાળજી રાખી ખેડૂતોને મદદરૂપ થવા અપીલ કરવામાં હતી. આ કાર્યક્રમમા પ્રાંતિજ તાલુકા એગ્રો ઇનપુટ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા કૃભકો ઇન્ચાર્જ જયદીપભાઇ તેમજ મોટી સંખ્યામાં વિક્રેતાઓ હાજર રહી આ કાર્ય શિબિરને સફળ બનાવી હતી.આ કાર્યક્ર્મમાં કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી