ભાવનગર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો વિશેષ કામગીરી બદલ કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો : ઓમ સેવાધામ સંસ્થા દ્વારા 64 પોલીસ નું સન્માન

ભાવનગર, તા.31/8/2021
કૃષ્ણ એક એવા ભગવાન છે કે તેઓ આજે 21મી સદીમાં પણ એટલા જ પથદર્શક અને પ્રાસંગિક છે. જેટલા તેઓના અવતરણ સમયે હતા અને આવનારા સમયમાં પણ રહેશે. તેમ દેશમાં સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર એવમ ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસને જન્માષ્ટમી નિમિત્તે એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

યુવા રોલમોડેલ આઈપીએસ ઓફિસર સફિન હસને વધુમાં કહ્યું હતું કે, કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવ્યા છે. જીવન કેમ જીવવું તે તેમના દરેક પ્રસંગમાંથી શીખવા મળે છે. ભગવાન કૃષ્ણના જીવનમાં અનેક દુઃખ દર્દ પણ હતા. છતાં પણ તેઓ હસતા મુખે તમામ પરિસ્થિતિને સ્વીકારી આગળ વધતા રહ્યા. ક્યારેય તેઓ એ વિષાદને પ્રદર્શિત થવા દીધો નથી. હંમેશા તેઓ હસતા રહ્યા અને આગળ વધતા રહ્યા, જીવન દરમિયાન તેઓ એ અસંખ્ય ત્યાગ કર્યા છે. માતા પિતા હોય કે ગોકુળ, રાધા હોય કે દ્વારિકા ત્યાગ જ કર્યો છે. આ વાતને ટાંકતા એએસપી એ કહ્યું હતું કે પોલીસે પણ કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે. રાષ્ટ્ર, વતન, કર્તવ્ય, સુરક્ષા,અને ફરજ પાલન માટે પોલીસે પણ કૃષ્ણને અનુસરવા રહ્યાં. કૃષ્ણ ત્યાગની મૂર્તિ છે, બાલ્યાવસ્થા થી લઈ પ્રૌઢ તમામ વયે તેઓ એ સમાજને અલગ અલગ શીખ અને સમજણ આપી છે. તેમ જણાવ્યું હતું.

જન્માષ્ટમી નિમિતે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા 2021ના વર્ષ દરમિયાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ ‘વડિલોને દ્વારે કૃષ્ણ પધારો’ કાર્યક્રમમાં વિશેષ સેવા બદલ કુલ 64 પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ખોડિયાર પીઢાધિશ્વર મહામંડલેશ્વર 108 પૂ.ગરીબરામબાપુ, ભાવનગર એ.એસ.પી. સફિન હસન, મહંત શ્રી રામચંદ્રદાસજી બાપુ, આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ દેવલભાઈ ઝાલા, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ખોડિયાર પીઢાધિશ્વર મહામંડલેશ્વર 108 પૂ. ગરીબરામબાપુએ આશીર્વચન આપતા કહ્યું હતું કે કોરોના કાળ વહેલી તકે ખતમ થાય તેવી દરેક ઉપર કૃષ્ણ કૃપા કરે, સંસ્થાના સન્માન સમારોહ, પોલીસ કામગીરી અને નાના ભલુકાઓના કૃષ્ણ પ્રેમની તેઓ એ સરાહના કરી હતી.

તપસી બાપુ વાડી જગ્યાના મહંત રામચંદ્રદાસબાપુ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કૃષ્ણને આજે આખી દુનિયા અનુસરે છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે વિશેષ કામગીરી બદલ પોલીસનું સન્માન ખૂબ પ્રશસનીય છે.

આ પ્રસંગે 114 નાના બાળકોએ કૃષ્ણ વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ એક થી ત્રણ નંબરને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે અન્ય તમામ ને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
ઓમ સેવાધામ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ કંડોલિયા, અમીબેન મહેતા, હેતલબેન પંડ્યા,વર્ષાબેન ગોહેલ, બીપીનભાઈ ઝાલા સહિતના એ જહેમત ઉઠાવી કાર્યક્રમ બનાવ્યો હતો.
















