રિપોર્ટ: અનુજ ઠાકર.
ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયરને લઈને છેલ્લા થોડા વર્ષોમાં ચર્ચા-વિવાદ વધુ તેજ બન્યા છે. એક સમય હતો, જ્યારે કોઈ ફિલ્મનું પ્રીમિયર યોજાય એટલે તેને ખાસ પ્રતિષ્ઠા મળતી હતી. હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. કલાકારોની હાજરી, મીડિયા કવરેજ અને આમંત્રિત મહેમાનો આ બધું મળીને પ્રીમિયર એક અનોખું આકર્ષણ ઊભું કરતું હતું. પરંતુ હવે એ પરંપરા ધીમે ધીમે બદલાતી દેખાઈ રહી છે. પ્રીમિયરને પ્રતિષ્ઠિત કે કેટેગરી સાથે જોડી દેવામાં આવ્યું છે.
‘નાનખટાઈ’ ફિલ્મની ટીમે કહ્યું હતું કે અમે પેપ્સી પોપકોર્ન નહીં આપીએ પણ પછી પ્રીમિયર વખતે નવો કિમીયો અજમાવ્યો હતો – પેપ્સી-પોપકોર્ન હોલની અંદર નહીં, પરંતુ કાઉન્ટર પરથી આપવાનો. હેતુ હતો દર્શકોને અડચણ વગર ફિલ્મનો આનંદ આપવાનો. છતાં, આ પ્રયોગથી દર્શકોના અનુભવમાં ખાસ તફાવત દેખાયો નથી. પ્રશ્ન એ જ રહ્યો કે પ્રીમિયર રાખવું કે નહીં – આ ચર્ચા માંગી લેતી બાબત છે, પેપ્સી પોપકોર્ન આપવા કે નહીં તે તો પછીનું છે.
ગુજરાતી ફિલ્મજગતમાં આજે પ્રીમિયર એક પ્રકારનો ક્લાસ બતાવવાનું બની ગયું છે. રિલીઝ ડેટ જાહેર થાય એટલે સૌપ્રથમ ચર્ચા થતી હોય છે કે ફિલ્મનું પ્રીમિયર ક્યારે અને ક્યાં યોજાશે? જાણે પ્રીમિયર એટલે ફિલ્મને એક ઊંચો દરજ્જો મળતો હોય. પરંતુ તાજેતરમાં અખિલ કોટકની આવનારી ફિલ્મ ‘ફરી એકવાર’ એ જાહેરાત કરી છે કે તેઓ પ્રીમિયર યોજશે જ નહીં.
હવે પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય પછી નવો ટ્રેન્ડ ઉભો થશે? શું હવે ગુજરાતી ફિલ્મો પ્રીમિયર વગર પણ પોતાની પ્રતિષ્ઠા જાળવી શકશે? એક વર્ગ એવો છે જે ફિલ્મના ખાસ પ્રીમિયર શોમાં જ જોવા જાય છે. તેમને આ નિર્ણયથી ઝાટકો લાગશે કે પછી તેઓ પૈસા ખર્ચીને જોવા જશે?
આ બદલાવને બે રીતે જોશો તો એક તરફ, પ્રીમિયર ન રાખવાથી મોટા ખર્ચામાંથી બચી શકાશે અને આ બચત ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગ પર ખર્ચાય તો કદાચ વ્યાપક પ્રેક્ષકવર્ગ સુધી ફિલ્મ પહોંચી શકશે. બીજી તરફ, મીડિયા અને ગ્લેમર લાઈમલાઈટથી ફિલ્મ વંચિત રહે તો એનું નુકસાન પણ થઈ શકે છે.
તેથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર ન રાખવાનો નિર્ણય માત્ર એક ફિલ્મનો નહીં, પણ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક નવો ટ્રેન્ડ બની જશે.