પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો
અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા રૂપૈયા’ આ કહેવતને ઊલટી પુરવાર કરતા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઘેલડા ગામના ખેડૂત અરવિંદભાઈએ ‘ખર્ચ અઠન્ની, આવક રૂપૈયા’ જેવો ઘાટ સર્જ્યો બતાવ્યો છે. માત્ર આમળાની ખેતી કરીને તેઓ અધધ કમાણી કરી રહ્યા છે.
ઘર વપરાશની સાથે આયુર્વેદિક ઔષધોમાં જેનો મહત્તમ વપરાશ થાય છે, તેવા આમળાની ખેતી તરફ ખેડૂતોનો ઝોક વધ્યો છે. જોકે, આમળાની ખેતીમાંથી સામાન્ય આવકને બદલે કોઈ ખેડૂત મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ જેટલી માતબર આવક મેળવી શકે તો એ ખરેખર આનંદની વાત છે.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઘેલડા ગામના ખેડૂત શ્રી અરવિંદ પટેલે આમળાની ખેતીમાંથી ગત વર્ષે રૂ. ૧.૫ (દોઢ) કરોડની માતબર આવક મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
અરવિંદભાઈ આમ તો માત્ર આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે, પરંતુ કોઠાસૂઝમાં તેમણે પીએચ.ડી. કર્યું છે, એમ કહીએ તોપણ અતિશયોક્તિ ન ગણાય.
ઘેલડા ગામમાં એક જ પટ્ટે ૪૦૦ વીઘા જેટલી વિશાળ જમીન શ્રી અરવિંદભાઈ ધરાવે છે. પહેલા ચીલાચાલુ પદ્ધતિથી ખેતી કરતા હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી હાથ ધરાયેલા પ્રાકૃતિક ખેતી અભિયાનને તેમણે સાચા અર્થમાં અમલમાં મૂક્યું. છેલ્લાં પાંચ વર્ષથી અરવિંદભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રયોગશીલ ખેતી શરૂ કરી છે.
અરવિંદભાઈના પરિવારમાં પત્ની અને બે દીકરા છે. આખો પરિવાર ખેતીમાં વધતી ઓછી મદદ કરે છે, પરંતુ મુખ્યત્વે અરવિંદભાઈ જ ખેતીમાં વિશેષ ધ્યાન આપે છે.
અરવિંદભાઈ આમળા સાથે સરગવાની પણ ખેતી કરે છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ દરમ્યાન ૩ વર્ષમાં અંદાજે રૂ. ૧ કરોડના આમળા પકવ્યા હતા. પરંતુ પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ ગત વર્ષે રૂ. ૧.૫ કરોડના આમળાનું મબલખ ઉત્પાદન થયું છે.
અરવિંદભાઈ કહે છે કે, હું પહેલા ચીલાચાલુ ખેતી કરતો હતો, પરંતુ જયારે પ્રાકૃતિક ખેતીના ફાયદા જાણ્યા ત્યારથી મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને મને ચાર ગણું ઉત્પાદન મળ્યું છે.
શ્રી અરવિંદભાઈ પોતાની પ્રાકૃતિક કૃષિની યાત્રા વર્ણવતા જણાવે છે કે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અમને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રગતિશીલ ખેડૂતો સાથેના વાર્તાલાપ મારફતે સરગવાની ખેતી કરવાની પ્રેરણા મળી હતી. સામાન્ય ખેતીથી અલગ પદ્ધતિથી સૌથી પહેલાં મેં સરગવાની ખેતી શરૂ કરેલી.
આત્મા પ્રોજેક્ટના કે.કે. પટેલ કહે છે કે, સમગ્ર રાજ્યની જેમ અમદાવાદ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીએ વેગ પકડ્યો છે. જિલ્લામાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફ ઝોક વધ્યો છે એટલું જ નહિ તેનાં સારાં પરિણામો મળી રહ્યાં છે.
અરવિંદભાઈને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.આમ, ખાટા આમળાની મીઠી આવકથી અરવિંદભાઈએ માતબર નાણાં અને નામના, બન્ને મેળવ્યાં છે.