અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે આયોજિત ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલી ભજન મંડળીઓના 2500થી વધુ બહેનો સહભાગી થયાં હતાં.
જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અપાયેલા વિષયો પર શ્રેષ્ઠ ભજનની રચના કરનારી ભજન મંડળીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રી એ શક્તિ સ્વરૂપા છે, કારણ કે સ્ત્રી એ પરિવારના દરેક સભ્યનો વિચાર કરે છે અને તમામ બહેનોએ આ કાર્યક્રમમાં અનેક વિષયો પર સુંદર ભજનો દ્વારા સંદેશ રજૂ કર્યા છે, તે પ્રશંસનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન રચવા માટે અપાયેલા વિષયો: પરિવારજીવન, અન્નનો આદર, સ્વચ્છતા, મોબાઇલનો વધતો ઉપયોગ તથા કેચ ધ રેઇન-ની પ્રશંસા કરી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત આ કાર્યક્રમના આયોજકોને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીએ અન્નના આદરની વાત કરતા જણાવ્યું હતું કે, ‘કીડીને કણ અને હાથીને મણ’ કુદરત દ્વારા પૂરું પાડવામાં આવે જ હોય છે. પરંતુ કીડીયારું પૂરીને નિમિત્ત બનવું એ આપણી સંસ્કૃતિ છે. આપણે સૌએ આપણી સંસ્કૃતિનું જતન કરવું જોઈએ,
જે આપણું કર્તવ્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં દર મહિને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે. જોકે અન્નનો આદર કરીને તેનો બગાડ અટકાવવો પણ જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અને મોબાઈલના દુરુપયોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આજે પણ સ્વચ્છતાના અનેક કાર્યક્રમો થતા હોય છે, જેથી આપણે સૌએ ઘર, નગર, રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવામાં સહભાગી થવું જોઈએ.
સ્વચ્છતા આપણો સ્વભાવ બનવી જોઇએ. આજકાલ અનેક પરિવારોમાં બાળક મોબાઈલના દૂરુપયોગથી ગેરમાર્ગે દોરાય છે અને મૂલ્યવાન સમય વેડફાય છે જેથી મોબાઈલનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કેચ ધ રેઈન અંગે વાત કરતાં કહ્યું હતું કે વરસાદનું એકેક ટીપું કેમ બચાવીશકાય, એ માટે પ્રયાસ કરવાના છે. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે આ વર્ષે બજેટમાં જોગવાઈ પણ કરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ લોકોને એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી અને તમામ ભજન મંડળીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સનાતન સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું હતું કે, માળા, તુલસી, ભજન અને ચંદન એ સનાતન સંસ્કૃતિના મહત્ત્વના પાયા છે, જેને સનાતન ધર્મમાં સ્વીકારાયા છે. જેથી આપણે સંસ્કૃતિને સમજી પોતાના જીવનને આધ્યાત્મક તરફ લઈ જવું જોઈએ અને રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવું જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, શહેરના ધારાસભ્યઓ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ એમ થેન્નારસન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર આલોક કુમાર પાંડે તેમજ અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારો તથા મોટી સંખ્યામાં ભજન મંડળીના બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.