રિપોર્ટ અનુજ ઠાકર.
અમદાવાદ: શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આગામી ખેલ મહાકુંભને પ્રોત્સાહન આપવા માટે વિશાળ ક્રિએટર્સ મીટ-અપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સ, યુવા ઇન્ફ્લુએન્સર્સ તેમજ સ્પોર્ટ્સ પર્સનલિટીએ હાજરી આપી. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં ક્રીડાપ્રતિ રસ વધારવો અને ખેલ મહાકુંભમાં ભાગ લઇને પોતાની પ્રતિભા સુંદર રીતે ઉજાગર કરવાની પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ચૌહાણે યુવાઓને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી રમત-ગમત દ્વારા જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા જાળવવાની પ્રેરણા આપી હતી.
આ ખાસ પ્રસંગે ગુજરાતની જુનિયર બાસ્કેટબોલ ગર્લ્સ ટીમની આરાધના પટેલ અને દેવ શ્રી પટેલને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ ટીમે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતાં 75 વર્ષમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સાથે જ જુડો અને કુસ્તી ક્ષેત્રે રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમાં કુશ રાખોળીયા (એશિયન કપ ગોલ્ડ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટ), વિપુલ ચૌધરી (સિનિયર ઈન્ટરનેશનલ પાર્ટિસિપેન્ટ) અને ઝિન્ઝાના સુખપાલ (નેશનલ બ્રોન્ઝ મેડલિસ્ટ)નો સમાવેશ થાય છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રાષ્ટ્રીય સ્તરના કુસ્તી ખેલાડી સનોફર પઠાણ (72 કિગ્રા) એ પોતાના જીવનના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, એક સમયમાં તેઓ નિરાશા અનુભવી ઘરે પાછા જવાનું વિચારતા હતા, પરંતુ પિતાના પ્રેરક શબ્દો – “ખાલી રમી લે” એ તેમણે ફરી મેદાનમાં ઉતારી લીધા અને ત્યારબાદ મુંબઈ તથા યુપીના દિગ્ગજોને હરાવી અનેક નેશનલ મેડલ્સ જીત્યા. આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે, રમતમાં માતા-પિતાનું પ્રોત્સાહન ખેલાડી માટે સૌથી મોટું બળ બને છે.
















