રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા તો દર્દીઓને તપાસતા, સારવાર, સર્જરી કરતાં દૃશ્યો આપણા માનસપટલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે? અને એ પણ સરકારી હોસ્પિટલમાં !!!
આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ(GCRI)માં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે.
અંદાજે ₹. ૩૮ કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના ૫(પાંચ )મી.મી. થી 3 સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યુનત્તમ આડઅસર રહિત નિદાન કરી શકે છે.
અહીં મહત્વની બાબત એ પણ છે કે, સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI જાણીતું નામ બન્યું છે.
કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્ત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુક્ત કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે.
સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઑન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાઇબરનાઇફ, ટ્રુબીમ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ/ઉપકરણો અંદાજીત ₹ ૯૫ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ની મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી/ઉપકરણો
સાઇબરનાઇફ – રોબોટિક લિનિયર એસેલરેટર
આ ક્રાંતિકારી ટેકનોલોજી મગજ, ફેફસા, લિવર, કરોડરજ્જુ અને પ્રોસ્ટેટ જેવા સંવેદનશીલ અંગોમાં મેલીગ્નેન્ટ ટ્યુમરની હાઈ-ડોઝ રેડિયેશન સાથે સચોટ સારવાર માટે પરફેક્ટ છે.
આજુબાજુની હેલ્ધી ટિસ્યુને ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરે છે, જેના લીધે સરળતાથી પહોંચી ન શકાય તેવાં અંગોના કેન્સર અને નોન કેન્સર ટ્યૂમરની સારવાર સરળ બને છે.
નોન-સર્જિકલ, ઓછી વાઢકાપ અને ઓછો રિકવરી ટાઈમ જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે ખાસ ઉપયોગી.
મહત્તમ ચોકસાઈ સાથે કામગીરી કરતું સાઇબરનાઇફ સ્ટીરીયોટેકટીક રેડિયો સર્જરી (SRS) અને સ્ટીરિયો ટેક્ટિક બોડી રેડિયો થેરાપી(SBRT) જેવી સર્જરી કે જ્યાં અત્યંત સચોટતા સાથે ટ્યુમરને સબમિલિમીટર એક્યુરેસી સાથે ટાર્ગેટ કરવાની હોય ત્યાં અત્યંત ઉપયોગી છે.
સાઇબરનાઇફ અત્યંત ચોક્કસ અને જરૂરિયાત મુજબનો રેડિયેશન ડોઝ આપતું હોવાથી ટ્રીટમેન્ટ 1થી 5 દિવસમાં જ પૂર્ણ કરી શકાય છે.
આ સારવારમાં સૌથી ઓછી આડઅસરો ઉદભવતી હોવાથી સારવારનો સક્સેસ રેશિયો ઊંચો રહે છે અને ઓછા હોસ્પિટલાઈઝેશનની જરૂર પડે છે.
ટ્રુબીમ લિનિયર એસેલરેટર (TrueBeam LINAC)
ટ્રુબીમની રેપિડઆર્ક ટેકનોલોજી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર તથા ફેફસા અને હેડ એન્ડ નેક કેન્સર જેવા વિવિધ પ્રકારના કેન્સર માટે ઝડપી અને શક્તિશાળી રેડિયેશન થેરાપી પ્રદાન કરે છે.
તેની અદ્યતન ટેકનોલોજી ટ્યુમરના મૂવમેન્ટને ઠીક કરી સચોટ સારવાર આપે છે. અત્યંત ચોક્કસ ટાર્ગેટેડ રેડિયેશન ડિલિવરીના લીધે સારવાર માટે ખૂબ જ ઓછો સમય જોઈએ છે અને સાઈડ ઈફેક્ટ અત્યંત ઓછી રહે છે.
દરેક દર્દીના ટ્યુમરના પ્રકાર અને તેના સ્થાનના આધારે રેડિયેશન ડોઝ આપી શકાતો હોવાથી સ્વસ્થ પેશીઓને અને અંગોને નુકસાન થતું નથી અને સારી સારવાર મળી રહે છે.
રિસ્પિરેટરી ગેટિંગની સુવિધાના લીધે દર્દીની શ્વસન પ્રણાલીના આધારે સારવાર કરી શકાય છે. શ્વસન પ્રણાલીના આધારે ટ્યુમરની મૂવમેન્ટ ચેક કરી શકાય છે. જેના લીધે એક અંગમાં ઉદભવતા કેન્સરની સારવાર દરમિયાન અન્ય અંગોને થતું નુકસાન અટકાવી શકાય છે.
ટોમોથેરાપી (રેડિક્સેક્ટ):
ટોમોથેરાપી એક વિશિષ્ટ રેડિયેશન પદ્ધતિ છે, જે ટ્યુમરને સ્લાઇસ બાય સ્લાઈસ ટ્રીટ કરે છે. જેના લીધે ઓવરડોઝ કે અંડરડોઝની સમસ્યા સર્જાતી નથી.
મોટી અને જટિલ ટ્યુમરની સારવાર સરળતાથી કરી શકાય છે તેમજ અન્ય અંગોને થતું નુકસાન અટકાવી શકાય છે.
જટિલ કેન્સરની સારવાર માટે ખૂબ જ ઉપયોગી થેરાપી.
બાળકોમાં જોવા મળતા કેન્સર તથા ટ્યુમરની ફરીવાર સારવાર કરવાની જરૂરિયાત હોય તેવા કેસમાં નોર્મલ અંગોને બચાવીને સારવાર કરી શકાય છે.
અંગોના મોટાભાગના વિસ્તારમાં કંટીન્યુઅસ રેડિયેશન આપી શકાતું હોવાથી આ સારવાર ટોટલ બોડી ઈરેડીએશન (TBI)અને ટોટલ મેરો ઈરેડીએશન(TMI) તથા ટોટલ મેરો અને લિમ્ફોઇડ ઈરેડીએશન(TMLI) જેવી સ્થિતિમાં ઉપયોગી છે.
કોબાલ્ટ બ્રેકિથેરાપી (ફ્લેક્સિટ્રોન):
બ્રેકિથેરાપીમાં સીધો ટ્યુમરની અંદર રેડિયેશન સ્રોત મૂકવામાં આવે છે. જેના લીધે કેન્સર ટ્યુમરને યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબનો રેડિયેશન ડોઝ આપી શકાય છે તથા આસપાસનાં અંગોને નુકસાન પહોંચતું નથી.
ખાસ કરીને યોની, ગર્ભાશય, મોંઢા, જીભ, પ્રોસ્ટેટ, સ્તન કેન્સર તથા ઓરલ અને સોફ્ટ ટિસ્યુ કેન્સર માટે અસરકારક છે.
GCRI પાસે ત્રણ લિનિયર એસેલરેટર, એક કોબાલ્ટ (Bhabhatron-ભાભાટ્રોન) યુનિટ, એક ઇરિડિયમ (માઇક્રો-સિલેક્ટ્રોન) યુનિટ, 4D CT સિમ્યુલેટર અને એક કન્વેન્શનલ (એક્સ-રે) સિમ્યુલેટર ઉપલબ્ધ છે.
GCRI પાસે ખૂબ જ કુશળ અને સમર્પિત રેડિયેશન ઑન્કોલોજી ટીમ છે, જે દરેક દર્દીને જરૂરિયાત અનુસારની વ્યક્તિગત સારવાર પ્રદાન કરે છે. અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરો સાથેની GCRIની ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો, ઓછી આડઅસર સાથેની તથા દર્દીની જીવન ગુણવત્તામાં સુધારો લાવવા માટે જરૂરી હોય તેવી ટ્રીટમેન્ટ પૂરી પાડે છે.
આમ, GCRIની સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે.