૦૩ ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વિકલાંગને દિવ્યાંગ શબ્દ આપી માત્ર નામ પૂરતી પ્રતિષ્ઠા આપવાનું કાર્ય કેન્દ્ર અને રાજ્યની સરકારે નથી કર્યું, પરંતુ દિવ્યાંગની સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓ બનાવી છે અને અનેક નક્કર નિર્ણયો પણ લીધા છે.
રાજ્યમાં દિવ્યાંગજનોના સશક્તીકરણ અને કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રૂ. ૧૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું રાજ્યનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તેનું તાજુ ઉદાહરણ છે. આ બિલ્ડિંગ અંદાજિત ૨.૧૫ એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં દિવ્યાંગજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ૪૫ જેટલા રૂમ ઉપલબ્ધ છે.
આ અંગે વાત કરતા સી.આર.સી.ના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો. અજીતસિંઘે જણાવ્યું હતું કે સીઆરસી- અમદાવાદની સ્થાપના તમામ પ્રકારની દિવ્યાંગતાઓ માટે વ્યાપક પુનર્વસન સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. આ કેન્દ્રમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરપી અને ઓડિયોલોજી, પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોસીસ અને ક્લિનિકલ સાયકોલોજી, વિશેષ શિક્ષણ જેવી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આ સેવાઓનો લાભ કોઈ પણ ઉંમરના દિવ્યાંગ વ્યક્તિ લઈ શકે છે. અહીં ઉપલબ્ધ તમામ સેવાઓ નિ:શુલ્ક છે.
આ ઉપરાંત દિવ્યાંગજનોને વ્યાવસાયિક માર્ગદર્શન અને સલાહ પ્રદાન કરે છે. સીઆરસી- અમદાવાદ એક છત નીચે ક્લિનિકલ, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન સેવાઓ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતી મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા દિવ્યાંગજનને તમામ જરૂરી સેવાઓ પૂરી પાડે છે.
આ સેન્ટર દ્વારા સાધન સહાય જેમ કે, વ્હીલચેર, ટ્રાઈસિકલ, ઘોડી, બેટરી સંચાલિત ટ્રાઈસિકલ, કૃત્રિમ હાથ પગ બનાવી આપવા, બહેરાશ માટે કાનનું મશીન, માનસિક દિવ્યાંગ બાળક માટે એજ્યુકેશન કીટ, પ્રજ્ઞાચક્ષુઓને લેપટોપ, મોબાઈલ તથા અન્ય સહાય આપવામાં આવે છે.
નોંધનીય છે કે અગાઉ શહેરના ઓઢવ ખાતે એક નાની ઓફિસમાં સીઆરસી સેન્ટર ચાલતું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકારે આધુનિક સુવિધાઓવાળું સીઆરસીનું નવું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કર્યું. જેના ભાગરૂપે ઓઢવ ભિક્ષુકગૃહ પાસે રૂ. ૧૬ કરોડના ખર્ચે આ સેન્ટરનું નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સેન્ટરમાં દિવ્યાંગોને સાધન સહાયથી લઇને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવામા આવશે.
છેલ્લાં ૨ વર્ષમાં કુલ ૯૭૦૦ દિવ્યાંગજનોએ સેવાનો લાભ લીધો
સૌથી ખાસ વાત એ પણ છે કે, સી.આર.સી અમદાવાદ દ્વારા છેલ્લાં ૨ વર્ષમાં સેન્ટર ઉપર તથા ગુજરાતના વિવિધ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરીને ૯૭૦૦ દિવ્યાંગજનોને રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે ૧૦ હજારથી વધુનું સાધન વિતરણ કરવામાં આવ્યું છે.
સીઆરસીમાં દિવ્યાંગજનો માટે ગ્રેજ્યુએશન કક્ષાનાં કોર્ષનો પણ પ્રારંભ થયો
આ સેન્ટર દ્વારા સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષકો તૈયાર કરવા આરસીઆઇ માન્ય ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. દિવ્યાંગજનોને શિક્ષણ- પ્રશિક્ષણ આપવા માટે વિવિધ વ્યાવસાયિક કોર્ષ પણ ચલાવવામાં આવે છે. જેવા કે વિશેષ શિક્ષણમાં બી.એડ. ઇન સ્પેશિયલ એજ્યુકેશન-આઇડી, ડી.એડ. ઇન સ્પેશિયલ એજ્યુકેશન – આઇડી, BASLP કોર્ષ પણ ચલાવવામાં આવે છે
તેમજ DISLI( સાઇન લેંગ્વેજ માટે )કોર્ષ પણ સીઆરસી અમદાવાદ દ્વારા ચલાવવામાં આવે છે. આ સેન્ટર દ્વારા દિવ્યાંગજનને વ્યાવસાયિક તાલીમ આપીને તેઓ સ્વનિર્ભર બની શકે તેવું ઉમદા કાર્ય પણ કરવામાં આવે છે. દિવ્યાંગજનોને કેન્દ્ર કે રાજ્ય સરકારશ્રી દ્વારા મળતી તમામ સેવાઓની માહિતી મેળવવાનું કેન્દ્રબિંદુ છે.
કેમ્પની રાહ જોયા વિના દિવ્યાંગોને સાધન સહાય મળશે
અત્યાર સુધી મોટા ભાગના દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ, વ્હીલચેર, ટ્રાઇપોડ, ટ્રાયસિકલ, મોટરવાળી ટ્રાઇસિકલ, કાનનાં મશીન સહિતનાં સાધનો લેવા માટે કેમ્પની રાહ જોવી પડતી હતી,
પરંતુ સીઆરસી સેન્ટરમાં હવે ગમે ત્યારે દિવ્યાંગો જઇને વ્હીલચેર, ટ્રાયસિકલ સહિતનાં સાધનોની સહાય મેળવી શકશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ જગ્યાએ જઇને કેમ્પ યોજી સાધન સહાય પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપોઝિટ રિજનલ સેન્ટર (સીઆરસી) અમદાવાદની સ્થાપના ૧૬મી ઓગસ્ટ ૨૦૧૧ના રોજ અલી યાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન) મુંબઈના વહીવટી નિયંત્રણ હેઠળ કરવામાં આવી છે, જે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગજન સશક્તીકરણ વિભાગ ભારત સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. સીઆરસી – અમદાવાદ એક અગ્રણી સંસ્થા છે,
જે દિવ્યાંગજન વ્યક્તિઓના સર્વાંગી વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. સીઆરસી અમદાવાદ ગુણવત્તાયુક્ત પુનર્વસન સેવાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને ક્ષમતા-નિર્માણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કેન્દ્ર દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમના પરિવારોને સશક્ત કરવા, સ્વતંત્રતા અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ઉપચાર, સહાયક ઉપકરણો, વ્યાવસાયિક તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો સહિતની સેવાઓની શ્રેણી પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર જેના પ્રાંગણમાં ચાલે છે. જેના દ્વારા પ્રતિમાસ એક કરોડથી વધારેની સાધન સામગ્રી જરૂરતમંદ દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવે છે જેમાં મોટર રાઈડ્સ, ટ્રાયસિકલ, વ્હીલચેર, બગલ ધોડી, કેલીપસ તેમજ કૃત્રિમ અંગ, શૈક્ષણિક કીટ (TLM કીટ), કાનનું મશીન, લેપટોપ, સ્માર્ટફોન વગેરે દિવ્યાંગજન જરૂરી વિક્લાંગતા પ્રમાણપણ, યુડીઆઇડી /આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, દસ્તાવેજો જમા કરાવીને સેવા લાભ લઈ શકે છે. આ અંગે વધુ માહિતી ફોન નં. 079-22870544 પરથી મળી શકશે.