23 નંબરની આંગણવાડીના પ્રવેશદ્વારે જ છાણના ગંધાતા, ગોબરા ઉકરડામાંથી ચાલવા ભૂલકાઓ મજબૂર
અત્યાર સુધી 65ની સંખ્યા ધરાવતી આંગણવાડીમાં હાલ માત્ર 18 બાળકો
ભયના ઓથર હેઠળ રહેતા ભૂલકાઓને વાલીઓએ ઉઠાડી લીધા
વલ્લભીપુર તારીખ
વલ્લભીપુર શહેરના વોર્ડ નંબર 2માં આવેલી 23 નંબરની આંગણવાડીનો રાજ્યની સૌથી “આદર્શ પછાત અને ગોબરી” આંગણવાડીમાં સમાવેશ થઈ શકે એમ છે. આ આંગણવાડીની આજુબાજુના વિસ્તારમાં માલધારી સમાજ રહે છે.
તેઓ દ્વારા તેમના પશુઓનું છાણ અને અને ઘાસના ઉકરડા આંગણવાડીના આંગણે જ કરવામાં આવ્યા છે. ભૂલકાઓ અને વાલીઓને આ ગંધાતા અને ગોબરા ઉકરડામાંથી પગ ઝબોળીને જ ચાલવું પડે છે.
એક સમયે આ આગંવાડીમાં 65 કરતા વધુ બાળકો આવતા હતા ત્યારે આજે એ સંખ્યા ધટીને 18ની થઈ ગઈ છે. વાલીઓ કહી રહ્યા છે કે સૌ પ્રથમ આ ઉકરડા હટાવવાનું કામ કરો પછી અમે અમારા બાળકોને મોકલશુ.
વાલીઓના કહેવાનુસાર આજુબાજુમાં એટલા બધા ઉકરડાઓ છે જેના લીધે અવારનવાર ઝેરી સાપ અને વીંછી જેવા ઝેરી જીવજંતુઓ નીકળે છે જે કદાચ બાળકોની સંખ્યા કરતા પણ વધુ હોય છે. ગંદકીને કારણે મચ્છરજન્ય રોગ વકરી રહ્યા છે. ત્યારે અમારા બાળકોને મચ્છર કરડી ખાતા હોવાથી બાળકો બીમાર જ રહે છે.
આથી તેમનો વિકાસ પણ થતો નથી. આથી અમે અમારા સંતાનોને અહીં મોકલવાનું જ બંધ કરી દીધું છે. અધૂરામાં પૂરું આ આંગણવાડીમાં છતમાંથી ખુબ પાણી ટપકે છે. અમારા સંતાનોને બહેતર શિક્ષણ અને સ્વસ્થ વાતાવરણ આપવા હવે અમે ખાનગી જગ્યાએ મોકલવા મજબૂર બન્યા છીએ.
નોંધનીય છે કે, આંગણવાડી કેન્દ્રના મહિલા કર્મચારીએ અનેકવાર ઉચ્ચ અધિકારીઓને લેખીત અરજી કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. પાલિકા ચિફ ઓફિસરને પણ ફરિયાદો કરી છે પણ આજ સુધી કોઈ ભોજિયો ભાઈ પણ અહીં ડોકાતો નથી. ખાસ વાત તો એ છે કે આ આગંવાડીની મુલાકાતે ઉચ્ચ અધિકારીઓ પણ આવીને સઘળું નિરીક્ષણ કરી ગયા છે પણ આજ સુધી સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે જો વલભીપુર જેવા પાલિકા વિસ્તારમા પણ આવી સ્થિતિ હોય તો છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં તો હાલત બદથી બદતર હોવી જોઈએ. એક તરફ સરકાર “ભણે ગુજરાત”ના નારાઓ લગાવીને એની જાહેરાતો પાછળ લખો, કરોડો રૂપિયાનું આંધણ કરે છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિની નોંધ લેવાવાળું કોઈ નથી એ અત્યંત ખેદજનક છે.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર