મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરશોત્તમભાઈ સોલંકી દ્વારા ભાવિકો માટે અનેકવિધ સેવાકીય કાર્યોની સરવાણી
જિલ્લા વહીવટી તંત્રની સાથે મંત્રીશ્રીના સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહેશે કાર્યરત
ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરમાં ભાદરવી અમાસના મેળાનો આવતીકાલથી ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. આ વર્ષે આ પવિત્ર મેળો તારીખ ૨૨ થી ૨૩ ઓગષ્ટ દરમિયાન યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની ધારણા છે. આસ્થા અને ભક્તિના આ મહાસંગમ સમા આ મેળામાં ભાગ લેવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને તેમના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા મેળામાં આવતા ભક્તો માટે લાડું ના પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાત્રિના સમયે દર્શનાર્થીઓ માટે એલ.ઈ.ડી. સ્ક્રીન પર ધાર્મિક ચલચિત્રો પણ દર્શાવવામાં આવશે.
મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સેવા, સરભરા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે કોળી સેનાના સ્વયંસેવક યુવાનો પણ ખડેપગે સેવા આપશે. દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ ટીમો તૈનાત કરાઈ છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી, નાસ્તો અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મેળો શ્રદ્ધા અને ભક્તિનો જીવંત દાખલો પૂરો પાડે છે. કોળિયાકના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ભાવિક ભક્તો માટે આસ્થા, શાંતિ અને આનંદનો અનુભવ બની રહેશે.