દિવ્યાંગજનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડા, નડિયાદ ખાતે 11મી એપ્રિલ, 2025 થી 14મી એપ્રિલ, 2025 દરમિયાન દિવ્યાંગજનો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત-ગમત મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પેરા સિટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાવનગરના દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટની “વોરિયર્સ ટીમ” એ ગુજરાતના વિવિધ જિલ્લાઓની ટીમોને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટીમ વતી મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તેઓનું પણ રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ કર્મચારી શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલ હાલમાં વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી ખાતે કોમર્શિયલ વિભાગમાં ચીફ કોમર્શિયલ ક્લાર્ક તરીકે કાર્યરત છે. શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે પોતાનું ઉત્તમ પ્રદર્શન બતાવી પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.
“વોરિયર્સ ટીમ” આવતા વર્ષે યોજાનારી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે તેમના ઈન્ચાર્જ મંડળ વાણિજ્ય નિરીક્ષક શ્રી તુષારભાઈ શેખ અને કોચ/મેનેજર શ્રી પંકજ વાઘેલાનો તેમના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર માન્યો છે.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠી સહિત તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.