વિશ્વ એડ્સ દિવસ (World AIDS Day)ના અવસરે તા. 01 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર રેલવે મંડળની તમામ હેલ્થ યુનિટ્સ તેમજ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, ભાવનગર પરા ખાતે HIV/AIDS વિશે જાગૃતિ વધારવા માટે મુખ્ય ચિકિત્સા અધીક્ષક શ્રી સુબોધ કુમારના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોમાં એડ્સ સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવી, પ્રતિરોધક માહિતી પહોંચાડવી અને સ્વસ્થ તથા સુરક્ષિત વર્તનને પ્રોત્સાહિત કરવાનો હતો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે DRH BVP ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મેડિકલ સ્ટાફ દ્વારા નાટિકાનું પ્રસ્તુતિ કરાયું, જેમાં HIV/AIDSના કારણો, ફેલાવા, બચાવ તેમજ સમાજમાં પ્રચલિત ગેરમાન્યતાઓને સરળ, શૈક્ષણિક અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા. હાજર કર્મચારીઓ, દર્દીઓ તથા તેમના સગાસ્નેહીઓએ આ નાટિકાને અત્યંત સરાહના આપી અને જાગૃતિના સંદેશને આત્મસાત કર્યા. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં એચઆઈવી/એડ્સ અંગે હેલ્થ ટોક, પોસ્ટર તથા બેનર પ્રદર્શન, રેડ રિબન વિતરણ અને IEC જાગૃતિ સાહિત્યના વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
ભાવનગર ડિવિઝનની ધોળા, જુનાગઢ, જેતલસર, મહુવા, પોરબંદર, ગોંડલ, બોટાદ, ધોળકા, વેરાવળ સહિત તમામ હેલ્થ યુનિટ્સમાં પણ વિશ્વ એડ્સ દિવસે ઉત્સાહભેર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ યુનિટ્સમાં પેમ્ફલેટ વિતરણ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓએ HIV/AIDS સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી. કેટલાક હેલ્થ યુનિટ્સ જેમકે ધોળા, જેતલસર અને જૂનાગઢે કોલોની પરિસરમાં પોસ્ટર પ્રદર્શન તથા જાગૃતિ સંદેશો દ્વારા અભિયાનને વધુ અસરકારક બનાવ્યું હતું.
ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ જ દિશામાં વિશ્વ એડ્સ દિવસે યોજાયેલું આ વ્યાપક જનજાગૃતિ અભિયાન રેલવે સમુદાયમાં સ્વાસ્થ્યપ્રત્યેની સકારાત્મક ચેતના અને જવાબદાર વર્તનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
















