કાગબાપુની ૧૨૨મી જન્મજયંતિના નિમિત્તે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો
ભાવનગરમાં કવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ની ૧૨૨મી જન્મજયંતિના પાવન અવસરે મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ બંસલ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ કૃણાલભાઈ શાહ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, ભારતીય જનતા મજદુર સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
યુવરાજ સાહેબે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જાહેરાત કરી કે આગામી વર્ષથી “કાગ વંદના” કાર્યક્રમ નીલમબાગ પેલેસ ખાતે યોજાશે — જે સમાચાર હોલમાં ગજબનો ઉત્સાહ જગાવી ગયા.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અંબાદાનભાઈ રોહડિયા અને કવિ વિનોદભાઈ જોશીએ કાગ સાહિત્ય, લોકવારસા અને માનવીય મૂલ્યો પર માર્મિક, પ્રેરક અને સંશોધનાત્મક વક્તવ્ય આપ્યાં હતાં.
લોકકલાના આ સંગમમાં પ્રખ્યાત કલાકારો હરેશભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નનકુભાઈ ગઢવી અને મુક્તિદાન ગઢવીએ કાગબાપુના પદો, ભજનો અને કાવ્યો દ્વારા એવું લોકસૌરભ વેર્યું કે સમગ્ર ઓડિટોરિયમ ભાવયાત્રામાં તણાઈ ગયું. દર્શકો વારંવાર તાળીઓના ગડગડાટથી ગાયકદળનું સત્કાર કરતા રહ્યા. આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંયોજન કાગબાપુના પ્રપૌત્ર ઈશભાઈ કાગે સંભાળ્યું હતું.
કાગ સાહિત્યની લોકધારાને સમર્પિત આ અવિસ્મરણીય સાંસ્કૃતિક રાત્રિએ ફરી એકવાર સાબિત કર્યું કે કાગબાપુ માત્ર કવિ નહીં, પરંતુ જનમાનસના અમર લોકદાર્શનિક છે.
















