ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા, ત્રણ એમ્બ્યુલન્સ સાથે 100 થી વધુ યુવાઓ જોડાયા
ઉત્તરાયણના તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે. ઉતરાયણના દિવસે સૂર્ય ઉગ્યો પણ ન હોય એ પહેલા ઉત્સાહી પતંગબાજો અગાસી પર ચડીને પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે. પરંતુ માણસો માટે ઉત્સાહનો આ તહેવાર પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે.
ઉતરાયણના દિવસે પતંગના અને ખાસ કરીને ચાઈનીઝ દોરાના કારણે હજારો પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે. જેમાં કેટલાક પક્ષીઓ તરફડીને પોતાનો જીવ ગુમાવી દે છે.
પરંતુ આવા પક્ષીઓની મદદ માટે ભાવનગરમાં પ્રેરણા ફાઉન્ડેશન સંસ્થા કાર્યરત છે. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા વન વિભાગના માર્ગદર્શન નીચે સ્વૈચ્છિક સેવા આપતા જીવદયા પ્રેમીઓની મોટી ટિમ ભાવનગર શહેર અને જિલ્લામાં કાર્યરત છે.
આ ટીમના યુવા યુવતિઓ ઉત્તરાયણનો દિવસ આવા ઘાયલ પક્ષીઓની સેવામાં સમર્પિત કરી દે છે.
જે ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનું કામ કરે છે. ઉત્તરાયણના આસપાસના 10 દિવસ સુધી ખડે પગે ટિમ પક્ષીઓનેના જીવ બચાવવાનું કાર્ય કરે છે. આ સેવા કાર્યમાં વન વિભાગ ઉપરાંત જરૂર જણાય ત્યાં ફાયર બ્રિગેડ, વિજ તંત્ર પણ સહયોગ કરી રહ્યું છે.
પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ભાવનગર શહેરમાં ત્રણથી વધુ હેલ્પલાઈન વાન પણ કાર્યરત કરવામાં આવી છે. જે ઘાયલ પક્ષીઓની સારવાર દવા ડ્રેસિંગ કીટ અને સાધનો સાથે તૈનાત છે. પ્રેરણા ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ વાનની સેવા મેળવવા 63563 71000 પર સંપર્ક કરવા જણાવાયું છે. પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો મહા અભિયાનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.