હલકટ તંત્રએ હલકી ગુણવત્તાનું કામ કરી નાગરિકોના ટેક્સના રૂપિયા પર પાણીઢોળ કર્યું
વલભીપુર: ૩૨ લાખના સંપના કામમાં લોલમલોલ; પાલિકાની રજૂઆત સામે અધિકારીએ ૫ કરોડનું બિલ પકડાવ્યું
પ્રમુખ વિજયસિંહ ગોહિલ અને ભૂપતસિંહ પરમારે નબળી કામગીરી મુદ્દે રજૂઆત કરતા કાર્યપાલક ઇજનેરે પરખાવ્યું: ‘પહેલા બાકી બિલ ભરો’
‘ચોર કોટવાલને દંડે’ જેવો ઘાટ: નબળા કામને કારણે કરોડોની પાણીની ટાંકી ધરાશાયી થવાની ભીતિ
વલભીપુર: તારીખ
વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા પાલી બાગ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અંદાજે ૩૨ લાખ રૂપિયાના ખર્ચે પાણીના સ્ટોરેજ સંપ બનાવવાનું કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું છે. જોકે, આ એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
આ ગંભીર બાબતને ધ્યાને લઈને વલભીપુર નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ગોહિલ તથા બાંધકામ વિભાગના ચેરમેનના પ્રતિનિધિ ભૂપતસિંહ પરમાર તેમજ તમામ સભ્યો દ્વારા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કામની ગુણવત્તા સુધારવાને બદલે કાર્યપાલક ઇજનેરે પાલિકાના પદાધિકારીઓને એવું જણાવ્યું હતું કે, “નગરપાલિકાના અંદાજિત ૫ કરોડ રૂપિયા જેવા પાણીના બિલ બાકી છે, તે તમે ભરી આપો.”
અધિકારીના આવા પ્રતિભાવથી પ્રમુખ વિજયસિંહ ગોહિલ અને નગરપાલિકાની આખી બોડી ડઘાઈ ગઈ હતી. અધિકારીએ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી કહેવત સાર્થક કરી હોય તેવું પદાધિકારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
કરોડોના ખર્ચે બનેલી ટાંકી જોખમમાં
આ અંગે બાંધકામ વિભાગના ચેરમેનના પ્રતિનિધિ ભૂપતસિંહ પરમારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આવી જ નબળી ગુણવત્તાવાળી કામગીરી ચાલુ રહેશે, તો થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવી પાણીની ટાંકી પણ પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ભ્રષ્ટાચાર સામે પગલાં લે છે કે કેમ.
રિપોટર ધર્મેન્દ્ર સિંહ સોલંકી વલ્લભીપુર
















